નવી દિલ્હી – ભારતીય રેલવે પેન્ટ્રી કારમાં ભોજન અને નાસ્તા માટેની ચીજવસ્તુઓ રાંધવાનું બંધ કરી દેવા વિચારે છે. તેને બદલે દેશભરમાં એવા ૨૫૦ બેઝ કિચન તૈયાર કરવા માગે છે જે પ્રતિ દિન લગભગ ૬ લાખ ભોજન અને નાસ્તાના પેકેટ્સ તૈયાર કરશે.
બેઝ કિચન્સ નવી દિલ્હી, નિઝામુદ્દીન, મુંબઈ, હાવરા, પટણા, ભૂવનેશ્વર જેવા તમામ મુખ્ય સ્ટેશનો તેમજ જ્યાંથી ટ્રેનો છૂટતી હોય એવા અન્ય સ્ટેશનો અને જંક્શન સ્ટેશનો ખાતે તૈયાર કરવાનું વિચારવામાં આવી રહ્યું છે. આ બેઝ કિચન્સમાં આરોગ્યપ્રદ વાતાવરણમાં ભોજન સામગ્રીઓ તૈયાર કરવામાં આવશે.
બહારગામની ટ્રેનોમાં હવેથી પેન્ટ્રી કારોનો ઉપયોગ ખાદ્યપદાર્થો રાંધવા માટે કરવામાં નહીં આવે, એને બદલે તેનો ઉપયોગ બેઝ કિચન્સમાં તૈયાર કરવામાં આવેલા ભોજન તેમજ નાસ્તાના પેકેટ્સના સંગ્રહ માટે કરવામાં આવશે. માત્ર ચા, કોફી અને સૂપ જેવા ગરમ પીણાંઓ જ પેન્ટ્રી કારમાં તૈયાર કરવામાં આવશે.
દેશમાં લગભગ ૩૦૨ મે અને એક્સપ્રેસ ટ્રેનોમાં પેન્ટ્રી કાર હોય છે જેમાં મુસાફરોને સર્વ કરવા માટે ભોજન તેમજ અન્ય ખાદ્યપદાર્થો રાંધવામાં આવે છે.
હાલ રેલવે દેશભરની ટ્રેનોમાં મુસાફરોને પ્રતિ દિવસ લગભગ ૬ લાખ જેટલા ભોજન તેમજ નાસ્તા માટેની ચીજવસ્તુઓ પૂરી પાડે છે. આમાં, ૯૧,૦૦૦ ભોજન રાજધાની, દુરાન્તો અને શતાબ્દી ટ્રેનોમાં પીરસવામાં આવે છે.



















