મસ્કરેન્હાસની કાતિલ બોલિંગે પંજાબને અપાવ્યો પહેલો વિજય

ચંડીગઢ – પ્રીતિ ઝીન્ટાની ટીમ કિંગ્સ ઈલેવન પંજાબને વર્તમાન આઈપીએલ સ્પર્ધામાં છેવટે વિજયનો પહેલો સ્વાદ ચાખવા મળ્યો છે. મોહાલીના પીસીએ સ્ટેડિયમમાં ગુરુવારે તેણે સૌરવ ગાંગુલીની પુણે વોરિયર્સ ઈન્ડિયા ટીમને આંચકો આપ્યો. અગાઉ મુંબઈ ઈન્ડિયન્સને હરાવનાર પુણે પર પંજાબે સાત-વિકેટથી જીત મેળવી અને તે પણ ૧૪ બોલ ફેંકાવાના બાકી રાખીને.

સામાન્ય સ્કોરવાળી રહેલી મેચમાં, પુણે વોરિયર્સની ટીમ ૧૯ ઓવરમાં માત્ર ૧૧૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેના જવાબમાં કિંગ્સ ઈલેવને ૧૭.૩ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૧૧૬ રન કરીને મેચ જીતી લીધી. પુણેને સાવ સસ્તામાં આઉટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી ફાસ્ટ બોલર દિમિત્રી મસ્કરેન્હાસે, જેણે હવામાનનો લાભ ઉઠાવીને પાંચ વિકેટ ઝડપી, માત્ર ૨૫ રનના ખર્ચે.

મસ્કરેન્હાસના પાંચ શિકાર હતા – ગાંગુલી (૧૬), માર્લોન સેમ્યુલ્સ (બે), રોબીન ઉથપ્પા (૧૭), મિથુન મન્હાસ (૩૧) અને રાહુલ શર્મા (બે રન). મન્હાસે સૌથી વધારે રન કર્યા.

પુણેના સ્કોરના જવાબમાં પંજાબે શોન માર્શ (૬૪ નોટઆઉટ), પીયૂષ ચાવલા (૨૧ નોટઆઉટ), કેપ્ટન ગિલક્રિસ્ટ (૨૧) અને મનદીપ સિંહ (૧૦)ની બેટિંગથી આસાન જીત મેળવી.

વર્તમાન મોસમમાં પંજાબ તેની આગલી મેચ હાર્યા બાદ ઘરઆંગણે રમાયેલી પહેલી મેચ જીતવામાં સફળ રહ્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, News