ઈસ્લામાબાદ – અત્રે ગુરુવારે ઈસ્લામ-વિરોધી ફિલ્મ સામેના વિરોધ દરમિયાન રોષે ભરાયેલા ૩૦૦૦ જેટલા દેખાવકારોના ટોળાને રાજદ્વારી ઓફિસોવાળા એન્ક્લેવની અંદર પ્રવેશતા રોકવા માટે લશ્કરની મદદ લેવી પડી છે.
ડિપ્લોમેટિક એન્ક્લેવના પ્રવેશદ્વારથી યુએસ એમ્બેસી માત્ર એક કિલોમીટર જ દૂર છે અને અંદર કોઈ અવરોધો મૂકાયા નથી. એન્ક્લેવના ગેટ પાસે એકત્ર થયેલા દેખાવકારો અંદર પ્રવેશવામાં સફળ તયા હોત તો ભારે અંધાધૂંધી સર્જાઈ જાત.
દેખાવકારોના વિરાટ ટોળાને કાબૂમાં રાખવામાં પોલીસો નિષ્ફળ જતા લશ્કરને બોલાવવું પડ્યું હતું.
દેખાવકારો રાવલપિંડીથી ઈસ્લામાબાદ આવ્યા હતા. પોલીસોએ અશ્રુવાયુના શેલ્સ ફોડતાં ટોળું પાછું હટવા માંડ્યું હતું.
ઈસ્લામાબાદમાં ડિપ્લોમેટિક એન્ક્લેવમાં મોટે ભાગે પશ્ચિમી દેશોની દૂતાવાસો આવેલી છે. આમાં અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સની એમ્બેસીનો સમાવેશ થાય છે. અહીં સલામતીનો બંદોબસ્ત અત્યંત કડક રાખવામાં આવે છે.
ટોળામાં મોટે ભાગે વિદ્યાર્થીઓ હતા અને તેમાંના ઘણા ખરા લોકો લાઠીઓ લઈને આવ્યા હતા.
મહંમદ પયગંબરની નિંદા કરતી વિવાદાસ્પદ ફિલ્મના અંશ ઈન્ટરનેટ પર મૂકાયા બાદ ઓછામાં ઓછા ૨૦ દેશોમાં હિંસક દેખાવો થયા છે. અત્યાર સુધીમાં હિંસાએ ૩૦ જણનો ભોગ પણ લીધો છે.
પાકિસ્તાનમાં છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ ચાલી રહ્યો છે. તેમાં ઓછામાં ઓછા બે જણ માર્યા ગયા છે, પરંતુ ગુરુવારે પહેલી જ વાર પાટનગર ઈસ્લામાબાદમાં થયેલા દેખાવોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે.



















