ગોધરા – તાજેતરમાં યોજાઈ ગયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન કરાયેલા ગોળીબારની એક ઘટનાના સંબંધમાં ભારતીય જનતા પાર્ટીના શહેરા મતવિસ્તારના વિધાનસભ્ય જેઠા ભરવાડની આજે ધરપકડ કરવામાં આવી છે.
જિલ્લા કોર્ટે ભરવાડની આગોતરા જામીન અરજી નકારી કાઢ્યા બાદ પોલીસે એમની ધરપકડ કરી છે.
ગોળીબારની ઘટના બાદ ભરવાડ ફરાર થઈ ગયા હતા. તેને લીધે પોલીસે એમની ધરપકડ કરી છે.
જિલ્લા જજ ડી.ટી. સોનીએ તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ ભરવાડે નોંધાવેલી આગોતરા જામીન અરજીને નકારી કાઢી હતી.
પંચમહાલના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સચીન બાદશાહે કહ્યું કે, કોર્ટના આદેશને પગલે કેસના તપાસનીશ અધિકારીએ ભરવાડની ધરપકડ કરી છે. હવે એમને ૨૪ કલાકની અંદર કોર્ટમાં હાજર કરવામાં આવશે જ્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગઈ ૧૭ ડિસેંબરે ગુજરાતમાં ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન શહેરાના તરસંગ ગામમાં એક પોલિંગ બૂથ ખાતે ભરવાડના બોડીગાર્ડની બંદૂકમાંથી ગોળીના આઠ રાઉન્ડ છોડવામાં આવ્યા હતા. તેના સંબંધમાં ભરવાડ તથા અન્ય ૯ જણ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
તે ગોળીબારમાં ચાર જણને ઈજા થઈ હતી.
ભરવાડને તરસંગ ગામમાં ઈજા થયા બાદ ભરવાડની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસ રક્ષણ હેઠળ એમને સીટી-સ્કેન માટે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ભરવાડ ત્યાંથી ભાગી ગયા હતા.
તેને પગલે ફરજમાં બેદરકાર રહેવા બદલ એક પોલીસ ઈન્સ્પેક્ટર સહિત આઠ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભરવાડ શહેરા બેઠક પરથી વિજય નિવડ્યા છે. તેમણે કોંગ્રેસના ઉમેદવારને ૨૮,૭૨૫ મતોથી પરાજય આપ્યો હતો.
આ જ જેઠા ભરવાડ આ વર્ષના આરંભમાં ગુજરાત વિધાનસભામાં પોર્નોગ્રાફિક મટિરીયલ જોતા પકડાઈ ગયા હતા.



















