બળાત્કારીઓને ફાંસી આપવાની જસ્ટિસ વર્માની ભલામણ નથી

નવી દિલ્હી – દેશમાં સ્ત્રીઓ વિરુદ્ધ કરાતા ગુનાઓ સંબંધિત કાયદાને મજબૂત કરવા માટે ન્યાયમૂર્તિ જે.એસ. વર્મા સમિતિએ અનેક ભલામણો કરી છે અને સુધારા સૂચવ્યા છે, પણ બળાત્કારીઓને ફાંસીની સજા કરવાની તેણે ભલામણ કરી નથી.

દિલ્હીમાં ગયા ડિસેંબરમાં એક મેડિકલ સ્ટુડન્ટ પર કરાયેલા ગેંગરેપ અને હત્યાને પગલે બળાત્કારના કાયદાને વધુ કડક બનાવવા માટેની ભલામણો કરવા માટે કેન્દ્ર સરકારે વર્મા સમિતિની રચના કરી હતી. ત્રણ સભ્યોની સમિતિના વડા જસ્ટિસ જે.એસ. વર્માએ પોતાના અહેવાલમાં પોલીસ તંત્ર તથા જાહેર સમાજ, બંનેની ઝાટકણી કાઢી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આજે બુધવારે પોતાનો અહેવાલ સુપરત કરી દીધા બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગઈ ૧૬ ડિસેંબરે ગેંગરેપની ઘટના બન્યા બાદ યુવા વ્યક્તિઓએ જે તત્કાળ અને શાંતિપૂર્વક રીતે એમની નારાજગી વ્યક્ત કરી તેનાથી પોતે પ્રભાવિત થયા છે.

જસ્ટિસ વર્માએ કહ્યું કે, દિલ્હીની ઘટના પોલીસ તંત્ર તથા સમાજ, બંને પોતાની જવાબદારી ચૂક્યા એનું પરિણામ છે.

સ્ત્રીઓને સમાનતાનો હક ત્યારે જ પ્રાપ્ત થાય જો વ્યક્તિગત તેમજ શાસન, બંનેનો સુમેળ સધાય.

વર્માએ કહ્યું કે, ભયાનક ઘટના બાદ દિલ્હીના પોલીસ કમિશનરને જે રીતે શાબાશી આપવામાં આવી તેનાથી મને આઘાત લાગ્યો હતો. કાયદાનો અમલ ત્યારે જ થઈ શકે જો તેનો અમલ કરનારાઓ સંવેદનશીલ બને.

વર્માએ કહ્યું કે, દેશના બંધારણે સ્ત્રીઓને સમાનતાના હકની જોગવાઈ રજૂ કરી છે, પણ અફસોસની વાત છે કે એ હજી સુધી હકીકત બની શક્યું નથી.

વર્માએ કહ્યું કે એક જ મહિનામાં રિપોર્ટ તૈયાર કરવાનું કામ બહુ અઘરું હતું. અમને દુનિયાભરમાંથી સંસ્થાઓ તથા વિદ્યાર્થીઓ તરફથી પ્રતિસાદ મળ્યો છે.

આ તો પરિવર્તનની માત્ર શરૂઆત છે. મને આશા છે કે અમારા અહેવાલ પર સંસદના આગામી સત્રમાં ગંભીરપણે ધ્યાન આપવામાં આવશે.

સ્ત્રીઓ પર અત્યાચારોના મામલે ભૂતકાળમાં ઘણી ભલામણો કરવામાં આવી ચૂકી છે, પણ એનો અમલ કરાયો નથી. આપણે ત્યાં કાયદાઓ યોગ્ય પ્રકારના છે, પણ એમનો અમલ અસરકારક રીતે કરાતો નથી, એમ વર્માએ કહ્યું.

સમિતિએ બળાત્કારીઓને ફાંસી આપવાની ભલામણ કરવાનો ઈનકાર કર્યો છે અને કહ્યું છે કે હાલના કાયદા આવા ગુનાઓને ડામવા માટે પર્યાપ્ત છે, માત્ર એમાં થોડાક સુધારા કરવાની જરૂર છે.

છેલ્લા અમુક મહિનાઓમાં દેશભરમાં બળાત્કારના અસંખ્ય બનાવો બન્યા બાદ જાહેર જનતામાં એવી માગણી ઉઠી છે કે બળાત્કારીઓને ફાંસી આપવી જોઈએ.

વર્મા સમિતિએ તેને બદલે કહ્યું છે કે બળાત્કારીઓને વધુમાં વધુ આજીવન કેદની સજા કરવી જોઈએ.

સ્ત્રીઓ પરના અત્યાચારોનો અંત લાવવાની દિશામાં પહેલું પગલું સમાજમાંથી જ કરાતી એમની મશ્કરી, છેડતી કે જાતીય સતામણીને અને એમને ડરાવવાની વૃત્તિઓને રોકવાનું છે.

સમાજ આવી પ્રવૃત્તિઓને ચલાવી લે છે એ ગંભીર બાબત છે, કારણ કે આમાંથી જ આગળ જતાં બળાત્કારનો મામલો બને છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષની ૧૬ ડિસેંબરની રાત્રે દિલ્હીમાં એક ચાલતી બસમાં ૨૩ વર્ષની એક સ્ત્રી પર ક્રૂરપણે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તે યુવતી એનાં બોયફ્રેન્ડ સાથે બસમાં ચડ્યાં બાદ એમાંના ૬ જણે બંનેની મારપીટ કરી હતી, યુવતી પર વારાફરતી બળાત્કાર કર્યો હતો અને પછી બંનેને નિર્વસ્ત્ર હાલતમાં બસમાંથી નીચે રસ્તા પર ફેંકી દીધા હતા. ડિસેંબરની કડકડતી ઠંડીમાં એ બંને લોહીલુહાણ અને નિર્વસ્ત્ર હાલતમાં રસ્તા પર પડેલાં દેખાયા હતા.

તે ઘટનાનાં ૧૩ દિવસ બાદ એ યુવતી સિંગાપોરની એક હોસ્પિટલમાં મૃત્યુ પામી હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news