નૈરોબી – કેન્યાના આ પાટનગર શહેર નજીક રવિવારે એક હેલિકોપ્ટર તૂટી પડતાં કેન્યાના ગૃહ પ્રધાન જ્યોર્જ સૈતોતી તથા બીજાં અનેકનાં મરણ નિપજ્યા છે.
સૈતોતી દેશના ભૂતપૂર્વ ઉપપ્રમુખ હતા અને પ્રમુખપદ માટેની આગામી ચૂંટણીના એક દાવેદાર પણ હતા.
દુર્ઘટનામાં સૈતોતીના ડેપ્યૂટી ઓરવા ઓજોદે તથા તેમના બોડીગાર્ડ્સ અને પાઈલટોના પણ મોત નિપજ્યા છે.
હેલિકોપ્ટરમાં કેટલા જણ હતા તેનો ચોક્કસ આંકડો હજી જાણી શકાયો નથી.
નજીબ બલાલા નામના એક કેબિનેટ પ્રધાને કહ્યું કે જો સરકાર વધારે સારા હેલિકોપ્ટરો વાપરતી હોત તો આ દુર્ઘટના થઈ ન હોત.
સૈતોતી અનેક હોદ્દા પર સેવા બજાવી ચૂક્યા હતા. તેઓ એક સમયે શિક્ષણ પ્રધાન પણ હતા.
દુર્ઘટના નૈરોબીની હદમાં આવેલા એન્ગોંગ પહાડી વિસ્તારમાં થઈ હતી.




















