ગાંધીનગર – ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
૮૩ વર્ષીય કેશુભાઈ રાજ્યના વર્તમાન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના સખત ટીકાકાર છે. મોદીની શાસનપદ્ધતિનો તે અવારનવાર વિરોધ કરતા રહ્યા છે. એક જાહેર સભામાં તો એમણે મોદીને નામ લીધા વગર રાક્ષસ કહ્યા હતા.
કેશુભાઈએ તેમના સાથી અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કાશીરામ રાણાની સાથે તેમના રાજીનામાનો પત્ર પક્ષના મોવડીમંડળને મોકલી આપ્યો છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે થોડા જ મહિના બાકી રહ્યા છે ત્યારે પટેલ અને રાણાએ આ પગલું ભર્યું છે.
ગાંધીનગરમાં પત્રકારો સમક્ષ આની જાહેરાત કરતા કેશુભાઈએ કહ્યું કે, પક્ષમાં હાલ જે રીતે કામકાજ ચાલી રહ્યું છે તેનાથી હું નાખુશ છું. અમે ઘણા દુઃખ સાથે પક્ષ છોડી રહ્યા છીએ. અમે પક્ષપ્રમુખ નીતિન ગડકરીને રાજીનામા મોકલી દીધા છે.
કેશુભાઈએ કહ્યું કે અમે કોઈ અન્ય પક્ષમાં પલટો કરી જવાના નથી, પણ નવા પક્ષની રચના કરીશું જે ‘રીયલ ભાજપ’ હશે.
કેશુભાઈએ કહ્યું ત્યારે રાણા એમની બાજુમાં જ બેઠા હતા.



















