અસંતુષ્ટોને ગુજરાતમાં સ્થિતિ કટોકટી કરતાંય ખરાબ લાગે છે

અમદાવાદ – ગુજરાત ભાજપમાં રાજ્યના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે બળવો કરનારાઓએ તેમની શક્તિ વધારવા માંડી છે અને બુધવારે તેઓ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના નિવાસસ્થાને ભેગા થયા હતા. તે બેઠકમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતા, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન કાંશીરામ રાણા, રાજ્યના ભૂતપૂર્વ ગૃહ રાજ્યપ્રધાન ગોરધન ઝડફીયાએ હાજરી આપી હતી.

કેશુભાઈ છેલ્લા બે મહિનાથી મોદી વિરુદ્ધ વધારે આકરા વેણ બોલી રહ્યા છે. તેમણે અવારનવાર કહ્યું છે કે ગુજરાતમાં પટેલ સમાજના લોકો ભય હેઠળ જીવે છે.

બેઠકમાં શું ચર્ચા થઈ અને નિર્ણયો લેવાયા તેની સત્તાવાર રીતે કોઈ માહિતી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, બળવાખોરોએ મોદી પર વધારે આકરા પ્રહારો કર્યા હતા. સુરેશ મહેતાએ તો ત્યાં સુધી કહ્યું કે, મોદીના શાસન કરતાં તો ઈમરજન્સી વખતના દિવસો સારા હતા.

મહેતાએ ભાજપમાંથી રાજીનામું આપીને પ્રબુધ નાગરિક શક્તિ મંચ નામે એક સ્વૈચ્છિક સંસ્થા શરૂ કરી છે.

ગુજરાતમાં આ વર્ષના અંતભાગમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે ત્યારે ભાજપમાં ઊભા થયેલા આંતરકલહ કંઈક નવાજૂની થવાના એંધાણ આપે છે.

કહેવાય છે કે બુધવારની બેઠકમાં અસંતુષ્ટોએ તેમના ભાવિ કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપી દીધું છે.

કેશુભાઈ કેમ્પ દ્વારા એવું નક્કી થયું હોવાનું જણાય છે કે વિધાનસભાની ચૂંટણીમાં મોદી દ્વારા પક્ષના ઉમેદવારોની પસંદગીમાં એકહથ્થુ સત્તા ના જાય તે માટે ભાજપના મોવડીમંડળ સમક્ષ રજૂઆતો કરવી. હાઈકમાન્ડ શું કહે છે ત્યારબાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, GUJARAT NEWS