નવી દિલ્હી – કિંગફિશર એરલાઈન્સને તેની સસ્પેન્ડ કરી દેવામાં આવેલી વિમાન સેવાને ફરી શરૂ કરાવવી હોય તો ઓછામાં ઓછા ૧૦ અબજ રૂપિયાની જરૂર પડે. વધુમાં તેણે ઓછામાં ઓછા ૬ મહિના સુધી પોતે ટકી શકશે એવી તેની ક્ષમતાની ખાતરી પણ આપવી પડે. આવું કેન્દ્રના મુલ્કી ઉડ્ડયન ખાતાના પ્રધાન અજિત સિંહે કહ્યું છે.
દરમિયાન સરકારી સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર કિંગફિશર એરલાઈન્સના રેસ્ક્યૂ પ્લાનને ટેકો આપવા તૈયાર છે, પણ તેની શરત એ છે કે કિંગફિશર તેનાં નિરાશ થયેલા કર્મચારીઓને જેટલા મહિનાઓનો પગાર બાકી છે તે ચૂકવી દે.
આ સમાચારને કારણે મુંબઈ શેરબજારમાં કિંગફિશર એરલાઈન્સનો શેર ૯ ટકા જેટલો ઊંચે ગયો હતો.
કિંગફિશરના ચીફ એક્ઝિક્યૂટિવ સંજય અગ્રવાલ તેમની કંપનીના પ્લાન વિશે ચર્ચા કરવા સિવિલ એવિએશન મંત્રાલયના અધિકારીઓને મળવા ગયા બાદ અટકળો વહેતી થઈ છે અને તેને પગલે અજિત સિંહની કમેન્ટ્સ પણ આવી છે. કિંગફિશરના રીવાઈવલ પ્લાનને એવિએશન રેગ્યૂલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને નકારી કાઢ્યો છે.



















