પુણે – મંગળવારે અહીં ક્વૉલિફાયર-1 મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે લીગ તબક્કામાં નંબર-વન પર રહેલી દિલ્હી ડેરડેવિલ્સ ટીમને ૧૮ રનથી હરાવીને આઈપીએલ-5ની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
આઈપીએલના પાંચ વર્ષના ઈતિહાસમાં કોલકાતા ટીમ આ પહેલી જ વાર ફાઈનલમાં પ્રવેશી છે.
કોલકાતાએ તેની ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૬૨ રન કર્યા બાદ દિલ્હીનો સ્કોર ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૪૪ રન સુધી સીમિત રાખ્યો હતો.
કોલકાતાએ મેચ જીતી લેતા તેનો સહ-માલિક અને બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાન મેદાન પર દોડી ગયો હતો અને બધા ખેલાડીઓને ભેટ્યો હતો.
કોલકાતા વતી સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર જેક કાલીસે ફરી એક વાર બેટ અને બોલ, બંને વડે સરસ દેખાવ કરીને તેની ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. બેટિંગમાં ૩૦ રન કર્યા બાદ બોલિંગમાં તેણે ચાર ઓવરમાં ૨૪ રનના ખર્ચે વેણુગોપાલ રાવ (૧૩) અને રોસ ટેલર (૧૧)ની વિકેટ ઝડપી હતી.
આમાં તેને સાથ મળ્યો વેસ્ટ ઈન્ડિયન ઓફ્ફ સ્પિનર સુનીલ નારાયણનો જેણે પણ ચાર ઓવરમાં ૨૪ રન આપીને બે વિકેટ લીધી હતી. લક્ષ્મીપતિ બાલાજી, શકીબ અલ હસન, ઈકબાલ અબ્દુલ્લા અને રજત ભાટિયાએ એક-એક બેટ્સમેનને આઉટ કર્યો હતો.
મહેલા જયવર્દને ૪૦ રન કરીને દિલ્હીનો ટોપ સ્કોરર રહ્યો. ડેવીડ વોર્નરે સાત, કેપ્ટન વિરેન્દર સેહવાગે ૧૦, નમન ઓઝાએ ૨૮ રન કર્યા હતા.
તે પહેલા, કોલકાતાના દાવમાં બ્રેન્ડન મેકુલમે ૩૧, કેપ્ટન ગૌતમ ગંભીરે ૩૨ રનનું યોગદાન આપ્યું હતું, યુસુફ પઠાણે ઝડપી બેટિંગ કરીને ૨૧ બોલમાં બે સિક્સર અને ત્રણ બાઉન્ડરી સાથે ૪૦ રન કર્યા હતા અને નોટઆઉટ રહ્યો હતો. તેની સાથે લક્ષ્મી શુક્લા ૨૪ રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
ક્વૉલિફાયર-1માં પરાજિત થવા છતાં દિલ્હીને ફાઈનલમાં સ્થાન મેળવવાની હજી એક તક છે. શુક્રવારે એલિમિનેટરની વિજેતા ટીમ સામે તેણે રમવાનું આવશે. તે મેચમાં જે ટીમ જીતશે તે ૨૭મીએ ચેન્નઈમાં ફાઈનલમાં કોલકાતા સામે રમશે.



















