ચેન્નઈ – ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળ કોલકાતા નાઈટ રાઈડર્સે આજે અહીં રમાઈ ગયેલી રોમાંચક ફાઈનલ મેચમાં છેલ્લા બે વર્ષથી ચેમ્પિયન બનતી આવેલી ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને પાંચ વિકેટથી હરાવીને આઈપીએલ-૨૦૧૨ ટ્રોફી જીતી લીધી છે.
૧૯૧ રનના ટાર્ગેટને કોલકાતા ટીમે ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૧૯૨ રન કરીને ચેઝ કરી બતાવ્યો.
કોલકાતાની જીતના ખરા ઘડવૈયા છે તેના બે બેટ્સમેન, મનવિન્દર બિસ્લા અને જેક કાલિસ. ઓપનર બિસ્લાએ ૪૮ બોલમાં ૮૯ રન કર્યા તો વન-ડાઉન બેટ્સમેન જેક કાલિસે ૪૯ બોલમાં ૬૯ રનનું યોગદાન આપ્યું.
કોલકાતાને જીત માટે છેલ્લી ઓવરમાં ૯ રન કરવાના હતા અને મનોજ તિવારીએ ડ્વેન બ્રાવોએ ફેંકેલી તે ઓવરના ત્રીજા અને ચોથા બોલે બાઉન્ડરી ફટકારીને મેચ સમાપ્ત કરાવી દીધી હતી.
બિસ્લાએ મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યા બાદ કહ્યું કે, હું ખરા દિલથી રમ્યો હતો. મને આ મેચમાં રમવાની આબાદ તક મળી ગઈ.
નાઈટ રાઈડર્સના દાવની શરૂઆત સારી રહી નહોતી. તેનો કેપ્ટન ગૌતમ ગંભીર માત્ર બે રન કરીને બેન હિલ્ફેનહોસની ઓવરમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.
આ વિકેટ બાદ મનવિન્દર બિસ્લા અને કેલિસે ૧૩૬ રનની ભાગીદારી કરી હતી. બિસ્લાને વિકેટકીપર-કમ-ઓપનર બ્રેન્ડન મેકુલમની જગ્યાએ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે પોતાના દાવમાં પાંચ છગ્ગા અને ૮ ચોગ્ગા ફટકારીને જોરદાર લડત આપી હતી. સામે છેડે કેલિસે એક સિક્સર અને સાત બાઉન્ડરી ફટકારી હતી.
છેલ્લે, શાકીબ અલ હસન ૭ બોલમાં ૧૧ અને તિવારી ત્રણ બોલમાં ૯ રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
તે પહેલા, ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ સુરેશ રૈના (૩૮ બોલમાં ૭૩) અને બર્થડે બોય માઈકલ હસી (૫૪)ના યોગદાન સાથે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૧૯૦ રન કર્યા હતા. રૈનાએ ત્રણ ચોગ્ગા અને પાંચ છગ્ગા માર્યા હતા.
હસી અને મુરલી વિજય (૪૨)ની જોડીએ પહેલી વિકેટ માટે ૮૭ રન કરીને મોટા સ્કોરનો પાયો નાખી આપ્યો હતો.



















