લંડન - આગામી લંડન ઓલિમ્પિક્સ માટે ભારતની મેન્સ ડબલ્સ ટીમની પસંદગીના મામલે થયેલા વિવાદે ભારતીય ટેનિસમાં ખળભળાટ મચાવી દીધો છે. પીઢ ખેલાડી લિઆન્ડર પેસનું કહેવું છે કે આ વિવાદને કારણે તે નિરાશ થયો છે, પણ એ પોતાનું ધ્યાન ટેનિસ પર કેન્દ્રિત કરવા માગે છે, રાજકારણ રમવા પર નહીં.
ઓલિમ્પિક્સ માટે મેન્સ ડબલ્સ ઈવેન્ટ માટે ભારતીય જોડી તરીકે પેસની સાથે ઘણા જૂનિયર ખેલાડી વિષ્ણુ વર્ધનને પસંદ કરાયા બાદ ૩૯ વર્ષીય પેસે ઓલિમ્પિક્સમાંથી ખસી જવાની ભારતીય ટેનિસ એસોસિએશનને ધમકી આપી છે.
પેસની માગણી મહેશ ભૂપતિ કે રોહન બોપન્ના જેવા અનુભવી ખેલાડી માટેની છે, પણ ભૂપતિ અને બોપન્નાએ પેસ સાથે રમવાની ના પાડી દીધી છે.
આ વિવાદને કારણે ટેનિસ સંઘે એકને બદલે બે ટીમ લંડન મોકલવાનો નિર્ણય લીધો છે.
અધૂરામાં પૂરું, ઓલિમ્પિક્સ માટે પેસની મિક્સ્ડ ડબલ્સ પાર્ટનર સાનિયા મિર્ઝાએ પણ વિવાદમાં ઝંપલાવતા કહ્યું છે કે પેસને મનાવવા માટે ટેનિસ એસોસિએશન મારો ઉપયોગ કરી રહ્યું છે.



















