ગુડગાંવ – માનેસર ગામ નજીકના ખોહ ગામમાં ૬૫ ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલી પાંચ વર્ષની માસુમ બાળકી માહીને ૮૬ કલાકો બાદ બહાર કાઢવામાં આવી, પણ એને મૃત જાહેર કરવામાં આવી છે. બચાવ કામદારો, જેમાં લશ્કરના જવાનો પણ જોડાયા હતા, તેઓ માહીને બચાવી શક્યા નથી.
માહી ગયા બુધવારે તેના જન્મદિવસે જ રાત્રે લગભગ ૧૧ વાગ્યે બોરવેલમાં પડી ગઈ હતી. ત્યારબાદ તેને મોતના સકંજામાંથી ઉગારવા માટે પોલીસ, સ્થાનિક વહીવટીતંત્રના જવાનો અને બચાવ કામદારોની સાથે લશ્કરના જવાનો પણ જોડાયા હતા.
માહીના પિતાએ કહ્યું કે એમની પુત્રી બોરવેલમાં પડી ગયા બાદ તરત જ એમણે પોલીસને જાણ કરી હતી. બે કલાક સુધી અંદરથી માહીના રડવાનો અવાજ આવતો હતો, પણ પછી બંધ થઈ ગયો હતો.
બોરવેલમાંથી બહાર કાઢ્યા બાદ માહીને ઘટનાસ્થળે હાજર રખાયેલી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત ઘોષિત કરી હતી.
માહીને બહાર કાઢવા માટે તે બોરવેલની બરાબર બાજુમાં જ બીજો ૮૦ ફૂટ ઊંડો બોરવેલ ખોદવામાં આવ્યો હતો. બાદમાં એક બોગદું બનાવીને લશ્કરના જવાનો માહી સુધી પહોંચ્યા હતા.
માહીને જીવતી રાખવાના તમામ પગલાં લેવાયા હતા. તેને ઓક્સિજન પણ સતત મોકલાતું રહ્યું હતું.
માહીને બચાવવા માટે સત્તાવાળાઓએ કોઈ કચાશ બાકી રાખી નહોતી. શનિવારે રાત્રે ગુડગાંવ મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ મેટ્રોના બાંધકામ માટે વપરાતી મશીનરી લઈને આવ્યા હતા જેથી માહી સુધી પહોંચવા માટે કોઈ નવો રૂટ શોધી શકાય. પરંતુ લશ્કરના જવાનો માહીથી બહુ જૂજ અંતર દૂર હતા તેથી તે મશીનરીને ઉપયોગમાં લેવાની જરૂર પડી નહીં.
બોરવેલ સુધી પહોંચવા માટે ભોંયરું ખોદાતું હતું ત્યારે મોટા ખડકો વચ્ચે આવી જતા વિલંબ થયો હતો. લશ્કરના જવાનોએ એ ખડકો દૂર કર્યા અને મશીનોનો ઉપયોગ એવી રીતે કરતા રહ્યા જેથી બોરવેલમાં ફસાયેલી માહીને કોઈ ઈજા ન થાય કે આજુબાજુના મકાનોના પાયા નબળા પણ ન પડે.




















