મણીપુરમાં વિધાનસભા ચૂંટણીઃ હિંસામાં સાતનાં મરણ; ૮૦ ટકા મતદાન

ઈમ્ફાલ – મણીપુરમાં શનિવારે વિધાનસભાની ચૂંટણી માટે થયેલા મતદાન દરમિયાન હિંસાના બનાવોએ સાત જણનો ભોગ લીધો છે. તેમ છતાં રાજ્યભરમાં સરેરાશ ૮૦ ટકા મતદાન થયું છે. અમુક દૂરના ભાગોમાં સાંજે મોડે સુધી પણ મતદાન ચાલુ હોવાથી મતદાનની ટકાવારીનો આંક ઊંચે જઈ શકે છે.
ચૂંટણી સંબંધિત હિંસાના બનાવોમાં અર્ધલશ્કરી દળના એક જવાન તથા એક શકમંદ નાગ ઉગ્રવાદીનો સમાવેશ થાય છે.
મતદાનની અંતિમ ટકાવારી ૮૬ ટકા થવાની વડા ચૂંટણી અધિકારી પી.સી. લોમકુંગાને ધારણા છે.
સગોલબંદ મતવિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળોએ એક ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડીવાઈસ શોધી કાઢ્યું હતું અને પછી એને નિષ્ક્રિય બનાવી દેતા મોટી દુર્ઘટના ટાળી શકાઈ છે.
સુગનૂ મતવિસ્તારમાં એક મતદાન કેન્દ્ર પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના જવાન, ગ્રામ સ્વયંસેવક દળના ત્રણ કર્મચારીઓ તથા એક નાગરિકનું મરણ નિપજ્યું હતું. તથા અન્ય બે જણ જખ્મી થયા હતા.
ડમ્પી વિસ્તારમાં થયેલા ગોળીબારના એક બનાવમાં ત્રણ જણ માર્યા ગયા હતા.
રાજ્ય વિધાનસભાની ૬૦ બેઠકોની ચૂંટણી માટે ૯ જિલ્લામાં ૨,૩૫૭ મતદાન કેન્દ્રોમાં સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. મતદાન દરમિયાન ત્રાસવાદી હુમલાનો ખતરો હોવાની કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચેતવણી આપી હતી, તે છતાં મતદારોએ હિંમત બતાવી છે અને સવારથી જ લોકોની લાંબી લાઈન જોવા મળી તી.
મુખ્ય પ્રધાન ઓ. ઈબોબી સિંહે થોઉબલ જિલ્લાના ખાંગાબોક વિસ્તારના મતદાન કેન્દ્ર જઈને પોતાનો મત આપ્યો હતો.
તમામ મતદાન કેન્દ્રોમાં સલામતીનો અત્યંત કડક બંદોબસ્ત રખાયો હતો. અર્ધલશ્કરી દળોના જવાનોને પણ તે માટે તહેનાત કરવામાં આવ્યા હતા.
બળવાખોરીને લીધે અશાંત રહેતા આ રાજ્યમાં આ દસમી વિધાનસભાની ચૂંટણી છે.
કુલ ૨૭૯ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે.
પ્રતિબંધિત ત્રાસવાદી સંગઠન નેશનલ સોશ્યાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ તરફથી હુમલા થવાનો ખતરો હોવાની ગૃહ મંત્રાલયને બાતમી મળ્યા બાદ રાજ્યના વહીવટીતંત્રને સતર્ક કરી દેવાયું છે..
મણીપુરમાં મતદાન સાથે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયાનો આરંભ થયો છે. અન્ય ચાર રાજ્યો છે, પંજાબ, ઉત્તર પ્રદેશ, ગોવા અને ઉત્તરાખંડ.

Filed in: Breaking News, National

No comments yet.

Leave a Reply