મુંબઈ – અહીં દક્ષિણ મુંબઈમાં મોહમ્મદ અલી રોડ પર આવેલી અને શોપિંગના શોખીનોમાં જાણીતી મનીષ માર્કેટ નજીક ભીષણ આગ ફાટી નીકળી છે. ૧૬ ફાયર એન્જિન્સ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
શરૂઆતમાં એવા અહેવાલો હતા કે છત્રપતિ શિવાજી ટર્મિનસ રેલવે સ્ટેશન નજીક આવેલી મનીષ માર્કેટની પાછળ આવેલી યારા અને આમના બજારોમાં આગ લાગી છે. આ બંને બજાર પરફ્યૂમ્સ અને ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓના વેચાણ માટે ફેમસ છે.
આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે.
આ જ વર્ષના જૂન મહિનામાં ક્રાફર્ડ માર્કેટમાં આગ લાગી હતી જેમાં કરોડો રૂપિયાની મિલકતનો નાશ થયો હતો. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી.
તે પહેલા ગયા વર્ષના નવેંબરમાં મનીષ માર્કેટ અને બાજુની સહારા માર્કેટમાં આગ લાગી હતી જેમાં પણ પારાવાર નુકસાન થયું હતું. ૨૦૦૦ જેટલી દુકાનો નાશ પામી હતી.
મનીષ માર્કેટ વિસ્તારમાં ખૂબ સાંકળી ગલીઓ હોવાથી આગ બુઝાવવા માટે ફાયર એન્જિન્સને અંદર સુધી લઈ જઈ શકાતા નથી. મનીષ માર્કેટમાં અન્ડરગ્રાઉન્ડ વોટર ટેન્ક નથી, જેને મહાપાલિકાએ ફરજિયાત બનાવી છે.



















