મુંબઈ – ગુરુવારે બપોરે અહીં મંત્રાલયમાં લાગેલી ભયાનક આગે ઓછામાં ઓછા બે જણનો ભોગ લીધો છે અને બીજાં ૧૪ને ઘાયલ કર્યા છે. આગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણ, નાયબ મુખ્ય પ્રધાન અજીત પવાર, રાજ્યના મુખ્ય સચિવ તથા બીજા અનેક પ્રધાનોની ઓફિસોને રાખ કરી દીધી છે.
આગની ઘટનાના થોડાક કલાકો બાદ, મુખ્ય પ્રધાન તથા અગ્નિશામક દળના અધિકારીઓ મંત્રાલયમાં નિરીક્ષણ માટે ગયા હતા.
સરકારે આગના કારણ માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો આદેશ આપ્યો છે. સૂત્રોનું કહેવું છે કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય એવું બની શકે છે.
ચવ્હાણે કહ્યું છે કે આગમાં સચિવાલયની તમામ મહત્વની ફાઈલો સુરક્ષિત રહી છે. આગ કાબૂમાં આવી ગઈ છે. તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ તપાસ શરૂ કરશે. આગ ચોથા માળ પરની રૂમ નંબર ૪૧૧માંથી શરૂ થઈ હતી. પ્રધાનો વૈકલ્પિક સ્થળે બેસીને કામકાજ ચાલુ રાખશે.
બીજી બાજુ, મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા એકનાથ ખડસેએ આ બનાવમાં તટસ્થ રીતે તપાસ કરવાની માગણી કરી છે. તેમનું કહેવું છે કે વિદેશમાંથી ફાયર નિષ્ણાતોને બોલાવીને આમાં નિષ્પક્ષ રીતે તપાસ કરાવી જોઈએ. આગ લાગી ત્યારે મકાનમાંના ઘણા આગશામકો બગડેલા હતા.



















