ફેસબુકના સ્થાપક ઝુકેરબર્ગે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

ન્યૂ યોર્ક – દુનિયાની સૌથી લોકપ્રિય સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકના અબજોપતિ સ્થાપક અને સીઈઓ, માર્ક ઝુકેરબર્ગે તેમની સોશ્યલ નેટવર્કિંગ સાઈટ પર પોતાનું રિલેશનશિપ સ્ટેટસ હવે ‘મેરીડ’ તરીકે અપડેટ કર્યું છે. તેમણે કેલિફોર્નિયાસ્થિત એમના નિવાસસ્થાને તેમની ૨૭ વર્ષીય ગર્લફ્રેન્ડ પ્રિસ્ચીલા ચેન સાથે ખાનગી સમારંભમાં લગ્ન કરી લીધા છે. ઝુકેરબર્ગ ૨૮ વર્ષના છે. પ્રિસ્ચીલા લાંબા સમયથી ઝુકેરબર્ગની ગર્લફ્રેન્ડ હતી.

ફેસબુકે તેનો જંગી પબ્લિક ઈશ્યૂ બહાર પાડ્યાના અને ન્યૂ યોર્કના નાસ્દાકમાં લિસ્ટેડ થયાના માત્ર એક જ દિવસ બાદ ઝુકેરબર્ગે લગ્ન કરી લેવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો છે.

૧૯ મેએ ઝુકેરબર્ગે તેમની ફેસબુક ટાઈમલાઈન પર તેમના જીવનની સૌથી મોટી ઘટના વિશે લખ્યું છે. તેમના અપડેટ કરાયેલા સ્ટેટસમાં આવું વંચાય છે – ‘મેરીડ પ્રિસ્ચીલા ચેન’.

શનિવારે કેલિફોર્નિયામાં પાલો એલ્ટો વિસ્તારસ્થિત પોતાના નિવાસસ્થાને ઝુકેરબર્ગ-પ્રિસ્ચીલાનાં લગ્નનો સમારંભ યોજાયો હતો. તેમાં માંડ ૧૦૦ જેટલા ખાસ મહેમાનો હાજર હતા.

સિમ્પલ ડાર્ક બ્લુ સૂટ, વ્હાઈટ શર્ટ અને ટાઈમાં સજ્જ થયેલા અને સ્મિત ફરકાવતા ઝુકેરબર્ગ અને આકર્ષક સ્લીવલેસ વ્હાઈટ વેડિંગ ગાઉનમાં શોભતી પ્રિસ્ચીલા સાથેની તસવીરને ઝુકેરબર્ગે સ્ટેટસ અપડેટ કરતી વખતે પોસ્ટ કર્યાની ૩૦ મિનિટમાં જ ૧,૩૧,૦૦૦ જણે લાઈક કર્યું હતું.

૧૦૦ અબજ ડોલરનું મૂલ્ય ધરાવતી ફેસબુકના દુનિયાભરમાં ૯૦ કરોડ યુઝર્સ છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business