લંડન – ભારતની બોક્સર મેરી કોમ ઓલિમ્પિક્સમાં ફ્લાયવેઈટ (૫૧ કિ.ગ્રા. વર્ગ) બોક્સિંગની સેમી ફાઈનલમાં પહોંચી છે. ક્વાર્ટરમાં એણે ટ્યૂનિશિયાની બોક્સરને 15-6 પોઈન્ટથી હરાવી દીધી છે. કમસે કમ કાંસ્ય ચંદ્રક તો પાકો, કારણ કે સેમી ફાઈનલમાં પરાજીત થનારને પણ મેડલ અપાય છે.
વર્તમાન ગેમ્સમાં ભારતે અત્યાર સુધીમાં ત્રણ મેડલ જીત્યા છે. બે શૂટિંગમાં (ગગન નારંગ અને વિજય કુમાર) અને એક બેડમિન્ટનમાં (સાઈના નેહવાલ).
૮ ઓગસ્ટે સેમી ફાઈનલમાં મેરીનો મુકાબલો ગ્રેટ બ્રિટનની નિકોલા એડમ્સ સામે થશે.
મેરીએ રવિવારે પ્રી-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં પોલેન્ડની કેરોલીના મિકાલુકને ૧૯-૧૪ સ્કોરથી હરાવી હતી.
૨૯ વર્ષીય અને બે પુત્રોની માતા મેરી પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. એ ભૂતપૂર્વ બેન્ટમવેઈટ (૫૪ કિ.ગ્રા.) વર્લ્ડ ચેમ્પિયન છે.
ટ્યૂનિશિયાની બોક્સર, જે મેરી કરતા હાઈટમાં ઊંચી અને વયમાં પાંચ વર્ષ નાની છે, તેની સામે મેરીએ પહેલા રાઉન્ડમાં 2:1 પોઈન્ટ, બીજામાં 3:2 ત્રીજામાં 6:1 અને ચોથામાં 4:2 પોઈન્ટ મેળવ્યા હતા.
મેરીએ સરસ રીતે ડીફેન્ડ કરવાની સાથોસાથ તેની હરીફને ઘણા બેક-ટુ-બેક પંચ માર્યા હતા. તેની આક્રમકતાથી દર્શકો ખુશ થઈ ગયા હતા.



















