કરાચી – પાકિસ્તાનના જાણીતા ગઝલ ગાયક મેહદી હસનનું આજે અહીંની આગા ખાન હોસ્પિટલમાં અવસાન થયું છે. તેમની વય ૮૪ વર્ષની હતી. તે ઘણા વખતથી બીમાર હતા. તેમને ફેફસાની તકલીફ હતી.
છેલ્લા એક મહિનાથી તેમનો અવાજ બંધ થઈ ગયો હતો અને તેમને નળી વાટે ખોરાક આપવામાં આવતો હતો.
મેહદી હસનનો જન્મ ૧૯૨૭માં ભારતના રાજસ્થાનના ઝુંઝુનું જિલ્લાના લૂણા ગામમાં થયો હતો.
ભારત-પાકિસ્તાનના ભાગલા થયા બાદ હસનનો પરિવાર પાકિસ્તાન જતો રહ્યો હતો. ત્યાં એમણે સાઈકલની દુકાનમાં કામ કર્યું હતું અને બાદમાં મોટર મિકેનિક પણ બન્યા હતા. તેમ છતાં સંગીત પ્રત્યેનો તેમનો પ્રેમ ઓછો થયો નહોતો.
તે ગઝલ ગાયક, શાસ્ત્રીય ગાયક અને સંગીતકાર પણ હતા.
તેમણે ૧૯૫૭માં ગાયક તરીકેની કારકિર્દીનો આરંભ કર્યો હતો. બાદમાં ફેફસાંની તકલીફ થતા અને શ્વાસમાં તકલીફ ઊભી થતા ૧૯૯૯થી તેમની ગાયકીને ફટકો પડ્યો હતો.
મેહદી હસનની આગલી ૧૫ પેઢી પણ સંગીત સાથે સંકળાયેલી હતી.
મેહદી હસનનું છેલ્લું રેકોર્ડિંગ ૨૦૧૦માં હતું જેનું શિર્ષક હતું, ‘સરહદેં’. તે ટ્રેકને સાંભળીને ૨૦૧૦માં લતા મંગેશકરે પોતાનું રેકોર્ડિંગ મુંબઈમાં કર્યું હતું. આમ, તે યુગલ આલબમ બન્યું હતું.
તેમની ગઝલ ‘મૈં હોશ મેં થા તો ફિર ઉસ પે મર ગયા કૈસે, યે ઝહર મેરે લહુ મેં ઉતર ગયા કૈસે…’ ઘણી લોકપ્રિય થઈ છે.



















