મુંબઈ – અહીંથી નજીક થાણે જિલ્લામાં મધ્ય રેલવે વિભાગના મુંબઈ-કસારા રૂટ પર આજે રાત્રે ખરડી સ્ટેશન નજીક વિદર્ભ એક્સપ્રેસ ટ્રેન એક લોકલ ટ્રેન સાથે અથડાતા બે મહિલા સહિત ત્રણ જણ માર્યા ગયા છે અને બીજાં ૩૧ મુસાફરોને ઈજા થઈ છે. એમાંના ચાર જણની હાલત ગંભીર છે.
રાત્રે લગભગ ૯.૩૦ વાગ્યે મુંબઈ ડિવિઝનના કલ્યાણ-ઈગતપુરી વિભાગ પર કસારા અને ઉંબરમાળી સ્ટેશનો વચ્ચે બનેલી ઘટનામાં, કસારાથી મુંબઈ છત્રપતિ શિવાજી ટર્મિનસ તરફ આવતી લોકલ ટ્રેનના ૧૨માંના ૬ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા અને બાજુની લાઈન પર પડ્યા હતા.
વરસાદને કારણે પાટા પર ભેખડો ધસી પડી હોવાથી લોકલ ટ્રેન ખડી પડી હતી.
એની થોડી જ વારમાં મુંબઈ-નાગપુર વિદર્ભ એક્સપ્રેસ, જે કસારા તરફ જતી હતી તે ડાઉન લાઈન પર આવીને પડેલા લોકલ ટ્રેનના ડબ્બાઓ સાથે અથડાઈ હતી. તેને લીધે એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું.
વિદર્ભ એક્સપ્રેસના એન્જિન ડ્રાઈવરે લોકલ ટ્રેનના ડબ્બા ડાઉન લાઈન પર પડેલા જોયા હતા અને ઈમરજન્સી બ્રેક મારી હતી. તેને લીધે એક્સપ્રેસનો એસ-10 ડબ્બો એસ-9 ડબ્બાની ઉપર ચડી ગયો હતો અને એન્જિન લોકલ ટ્રેનના ડબ્બા સાથે અથડાયું હતું.
રેલવેના જનરલ મેનેજર સહિત ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે.
અકસ્માત થયો એ વખતે જોરદાર વરસાદ પડતો હતો એટલે બચાવ કામગીરીમાં અડચણ ઊભી થઈ હતી.



















