નવી દિલ્હી – ૧૬૬ જણનો ભોગ લેનાર ૨૬/૧૧ મુંબઈ ટેરર હુમલાઓમાં પોતાને અપરાધી જાહેર કરનાર અને ફાંસીની સજા ફરમાવનાર ચુકાદાને પડકારતી પાકિસ્તાની ત્રાસવાદી મોહમ્મદ અજમલ અમીર કસાબની અરજી પર સુપ્રીમ કોર્ટ બુધવારે ચુકાદો આપશે.
૨૫ વર્ષના કસાબે તેની પર મૂકાયેલા અપરાધ અને કરાયેલી સજાને પડકારતી અરજી અહીંની જેલમાંથી નોંધાવી હતી. સુપ્રીમ કોર્ટે કસાબ વતી દલીલો કરવા માટે પોતાના સલાહકાર તરીકે સિનિયર એડવોકેટ રાજુ રામચંદ્રનને નિયુક્ત કર્યા હતા.
ન્યાયમૂર્તિઓ આફતાબ આલમ અને સી.કે. પ્રસાદની બેન્ચે મેરેથોન સુનાવણી બાદ ગઈ ૨૫ એપ્રિલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. ફરિયાદી તથા બચાવ પક્ષની દલીલો અઢી મહિના સુધી ચાલી હતી.
કસાબે પોતાની દલીલમાં કહ્યું છે કે એની સામેનો મુકદ્દમો મુક્ત અને યોગ્ય રીતે ચલાવાયો નથી. તેમજ પોતે ભારત સામે આદરવામાં આવેલા યુદ્ધ માટેના કાવતરાનો કોઈ હિસ્સો નહોતો.
તેણે એમ પણ કહ્યું કે ફરિયાદી પક્ષ પોતાની સામેનો કેસ પુરવાર કરી શક્યો નથી.
કસાબને કરાયેલી ફાંસીની સજાના અમલ સામે સુપ્રીમ કોર્ટે ગયા વર્ષની ૧૦ ઓક્ટોબરે સ્ટે ઓર્ડર આપ્યો હતો.
ટ્રાયલ કોર્ટે ફટકારેલી ફાંસીની સજાને મુંબઈ હાઈ કોર્ટે માન્ય રાખી હતી.
કસાબને હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં વિશેષ સુરક્ષા બંદોબસ્ત હેઠળના સેલમાં રાખવામાં આવ્યો છે. તેણે જેલના સત્તાવાળાઓ મારફત સ્પેશિયલ લીવ પીટિશન કરી છે.
કસાબ અન્ય ૯ પાકિસ્તાની ત્રાસવાદીઓ સાથે કરાચીથી દરિયાઈ માર્ગે બોટમાં બેસીને મુંબઈ આવ્યો હતો અને ૨૦૦૮ની ૨૬ નવેંબરની રાત્રે મુંબઈમાં અનેક પ્રખ્યાત સ્થળોએ તેમણે આતંકવાદી હુમલા કર્યા હતા જેમાં ૧૬૬ જણ માર્યા ગયા હતા.
ત્રાસવાદ-વિરોધી કોર્ટે ૨૦૧૦ની ૬ મેએ કસાબને અપરાધી જાહેર કરી ફાંસીની સજા ફરમાવી હતી.



















