મુંબઈ – પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોના મોટરમેનોએ હડતાળ પાછી ખેંચી લીધી છે જે તેમણે બપોરે લગભગ ત્રણેક વાગ્યાથી શરૂ કરી હતી.
ડીઆરએમ સાથે થયેલી વાતચીત સફળ રહી છે. મોટરમેનો તેમને અપાયેલી ખાતરીથી સંતુષ્ટ થયા છે. તેઓ બપોરે ત્રણ વાગ્યાથી ઓચિંતા હડતાળ – સીક લીવ પર ઉતરી ગયા હતા જેને લીધે ચાર કલાકમાં મુંબઈના લોકો ખૂબ પરેશાન થઈ ગયા.
પશ્ચિમ રેલવે વિભાગ પર ઉપનગરીય ટ્રેન સેવાના ૧૭૫ જેટલા મોટરમેનો ઓચિંતા હડતાળ પર ઊતરી જતા ટ્રેન સેવા ઠપ થઈ ગઈ હતી. અનેક સ્ટેશનો પર ટ્રેનો થંભી ગઈ હતી.
સાંજે ધસારાનો સમય સામાન્ય રીતે ચાર વાગ્યાથી શરૂ થાય. તેના એક કલાક પહેલા મોટરમેનો સામુહિક રીતે સીક લીવ પર ઊતરી ગયા છે. આને લીધે ટ્રેન સેવા ઠપ થઈ ગઈ છે.
મોટરમેનો આસિસ્ટન્ટ મોટરમેન આપવા, વેતન વધારવા અને રજાઓ માટે યોગ્ય સિસ્ટમ બનાવવાની માગણીઓ માટે પ્રશાસન પર દબાણ લાવવા ઓચિંતા હડતાળ પર ઉતરી ગયા હતા.
રેલવે પ્રશાસને લગભગ સાડા ચાર વાગ્યે ઘોષણા કરી હતી કે મુસાફરોએ તેમના ઘેર પાછા ફરવા કે ગંતવ્ય સ્થાને પહોંચવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવી.
સાંજનો સમય કામ-ધંધે નીકળેલા લોકો માટે ઘેર પાછા ફરવાનો હોઈ દરેક સ્ટેશનો પર લોકોની ભીડ જામી હતી. હડતાળના સમાચાર સાંભળતા લોકો ઓફિસેથી અને કામકાજના સ્થળોએથી વહેલી રવાના થઈ ગયા હતા. જે સાધન મળ્યું તેમાં બેસીને લોકો રવાના થયા હતા. આને લીધે મુખ્ય માર્ગો પર ચિક્કાર ભીડ જામી હતી.
પરિસ્થિતિને શક્ય તેટલી સંભાળવાના પ્રયાસમાં બેસ્ટ વહીવટીતંત્રે થોડીક વધારે બસો દોડાવી હતી.
મોટરમેનોનું કહેવું છે કે અમે માનસિક રીતે બહુ તાણમાં રહીએ છીએ. આવી સ્થિતિમાં અમે ટ્રેનો ચલાવી શકીએ એમ નથી. અકસ્માત થઈ જાય તો અમારું જ આવી બને. અમારી માગણી આસિસ્ટન્ટ ડ્રાઈવર માટેની છે, પણ અમને તે આપવામાં આવતા નથી. અમે ૩૬૫ દિવસ કામ કરીએ છીએ. અમે રજા પણ લઈ શકતા નથી. અમારે પણ પરિવાર છે. છેલ્લા કેટલાક વખતથી રેલવેના અકસ્માતો માટે રેલવે પ્રશાસન અમને દોષી ગણાવે છે જે અયોગ્ય છે. તે અકસ્માતો મોટરમેનોની ભૂલને લીધે નહીં, પણ ખામીભરી મશીનરીને કારણે થાય છે.
મોટરમેનો કહે છે કે, રેલવે બોર્ડે પરિપત્ર બહાર પાડીને કહ્યું છે કે અમને અઠવાડિયામાં એક દિવસ રજા મળવી જોઈએ, પણ એ પ્રશાસન એ આપતી નથી.



















