મુંબઈમાં આ જ વર્ષમાં દોડતી જોવા મળશે સૌપ્રથમ એસી લોકલ ટ્રેન

મુંબઈ – આ મહાનગરની ઉપનગરીય રેલવે સિસ્ટમમાં આ વર્ષમાં ધરખમ ફેરફારો થતા જોવા મળવાના છે.

જેની લાંબા સમયથી રાહ જોવાય છે તે સંપૂર્ણ એર-કન્ડિશન્ડ લોકલ ટ્રેન પશ્ચિમ રેલવે વિભાગ પર તેની પ્રારંભિક સફર આ વર્ષના એપ્રિલ-મેમાં કરશે.

વેસ્ટર્ન રેલવેના ચીફ પીઆરઓ શરત ચંદ્રયાનના જણાવ્યા મુજબ, ભારતની સૌપ્રથમ રેલવે ૧૮૫૩માં દક્ષિણ મુંબઈના બોરીબંદર અને થાણે વચ્ચે શરૂ કરવામાં આવી હતી. તે પછી રેલવે તંત્રમાં અનેક સુધારા આવતા ગયા. હવે નવી એસી ટ્રેનો શરૂ થવાની છે. તદુપરાંત રેગ્યૂલર ટ્રેનોને પણ નવો લૂક આપવામાં આવશે.

મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન કંપનીએ નવી ૭૨ ટ્રેનો માટે ઓર્ડર આપ્યા છે. એમાંની કેટલીક ટ્રેનો આ વર્ષમાં પ્રાપ્ત થશે. વેસ્ટર્ન રેલવે ચર્ચગેટ-વિરારના ૬૦ કિ.મી.ના રૂટને દહાણુ સુધી આગળ વધારશે. એ સાથે જ રૂટની લંબાઈ ૧૨૪ કિ.મી. સુધી વધી જશે. ચર્ચગેટ-દહાણુ ટ્રેન સેવા આ વર્ષના માર્ચના અંત સુધીમાં શરૂ કરાશે.

હાર્બર લાઈન માટે આ જ વર્ષમાં બધી ટ્રેન ૧૨-ડબ્બાની થઈ જશે.

રેલવે તંત્ર ૧૦-ડબ્બાવાળી ટ્રેન પણ દોડાવશે જેમાં એડિશનલ મોટર કોચ હશે. આનો હેતુ ધસારાના સમયમાં ટ્રેનની સ્પીડ વધારવાનો છે. આ ટ્રેનથી સીએસટી અને પનવેલ વચ્ચેની સફર ઓછામાં ઓછી ૧૦ મિનિટ ઘટી જશે.

મહત્વના ઉપનગરીય સ્ટેશનો પર એસ્કેલેટર્સ મૂકવામાં આવશે. મુસાફરો સ્ટેશનેથી ઝડપથી બહાર નીકળી શકે એ માટે આ વિદ્યુત સીડીઓ મૂકવામાં આવશે.

ચર્ચગેટ પાસેના ઓવલ મેદાન અને વિરાર વચ્ચે તેમજ સીએસટી અને પનવેલ વચ્ચે હાઈ-સ્પીડ એલિવેટેડ કોરીડોર યોજનાનું કામકાજ પણ આ જ વર્ષમાં શરૂ થવાનું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, MUMBAI news