ઓલિમ્પિક્સઃ એ ભેદી સ્ત્રી બેંગલોરની મધુરા હની છે

લંડન – શુક્રવારે રાત્રે ઓલિમ્પિક ગેમ્સની ઉદ્દઘાટનવિધિ વખતે ભારતીય સંઘની સાથે મોખરે ચાલનાર અજાણી સ્ત્રીને મીડિયાએ ‘ભેદી સ્ત્રી’ તરીકે ઓળખાવી છે. તેની ઓળખ મેળવવા ભારતીય સત્તાવાળાઓ ફાંફા મારે છે ત્યારે એક અખબારી અહેવાલે તેની ઓળખ આપી છે. તેનું નામ મધુરા હની આપ્યું છે અને કહ્યું છે કે એ બેંગલોરની રહેવાસી છે.

અખબારોમાં ભેદી સ્ત્રીનો ફોટો છપાયા બાદ અને સોશ્યલ નેટવર્કિંગ સાઈટ્સ ઉપર પણ તેના વિશે ચર્ચા થઈ રહી છે ત્યારે ડેક્કન ક્રોનિકલ અખબારે દાવો કર્યો છે કે આ સ્ત્રી મધુરા હની છે અને બેંગલોરની પોસ્ટ-ગ્રેજ્યુએટ છે.

અખબારનો દાવો છે કે મધુરાની કોલેજની એક મિત્ર પણ એને ભારતીય સંઘની સાથે જોઈને ચકિત થઈ ગઈ હતી. મધુરા લંડનમાં રહે છે અને ભારતીય ટીમ સાથે જોડાઈ તે પહેલા એણે પોતાનો ઓલિમ્પિક પાસ એના ફેસબુક એકાઉન્ટ પર ડિસ્પ્લે કર્યો હતો. પરંતુ જેવો આ મુદ્દે વિવાદ શરૂ થયો કે તરત જ એણે પોતાનું ફેસબુક એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી નાખ્યું હતું.

આમ છતાં ભારતીય સંઘ તે સ્ત્રીની ઓળખ અંગે લંડન ઓલિમ્પિક્સના આયોજકો તરફથી સત્તાવાર જાણકારી કે સમર્થનની રાહ જુએ છે.

ઓલિમ્પિક્સના ઉદ્દઘાટન સમારોહ વખતે એથ્લીટ્સ પરેડ દરમિયાન લાલ રંગનું શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલી એ સ્ત્રી માર્ચ પાસ્ટ વખતે ભારતીય સંઘમાં મોખરે અને સંઘના ધ્વજવાહક કુસ્તીબાજ સુશીલ કુમારની બાજુમાં જ એ ચાલતી હતી. એ સ્ત્રી કોણ હતી એ સવાલ ભારતીય અધિકારીઓએ ગેમ્સના આયોજકોને કર્યો છે.

ભારતીય સંઘના કાર્યવાહક ચીફ દ મિશન બ્રિગેડિયર પી.કે. મુરલીધરન રાજા ખૂબ ભડકી ગયા છે કે ડેલિગેશનનો ભાગ ન હોવા છતાં એ સ્ત્રી ટીમની સાથે કેવી રીતે જોડાઈ શકી?

રાજાનું કહેવું છે કે એ સ્ત્રીને ભારતીય સંઘ સાથે કોઈ લેવાદેવા નથી. અમે આયોજકો પાસે આ મુદ્દો ઉઠાવ્યો છે. એ સ્ત્રી કોણ છે અને તેને ભારતીય સંઘની સાથે કેમ ચાલવા દેવાઈ એની અમને ખબર નથી. આ બહુ શરમજનક બાબત કહેવાય.

રાજાએ કહ્યું કે એ સ્ત્રી બેંગલોરની હોવાના અખબારી અહેવાલની મને જાણ થઈ છે, પણ હું એ વિશે ટીકાટિપ્પણ નહીં કરું. અમને શરૂઆતમાં એમ જણાવવામાં આવેલું કે એ સ્ત્રી ટ્રેક સુધી જ ભારતીય સંઘની સાથે ચાલશે, પણ એ તો આખા લેપ સુધી ચાલતી રહી. એવો એક બીજો પુરુષ પણ હતો, પણ એ દૂર રહ્યો હતો અને સ્ટેડિયમમાં પ્રવેશ્યો નહોતો.

આ વખતની ઓલિમ્પિક્સમાં ભારતના ૮૧ એથ્લીટ્સ સામેલ થયા છે. ગેમ્સના ઈતિહાસમાં ભારતનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સંઘ છે. પરંતુ ઉદ્દઘાટનવિધિમાં માર્ચ પાસ્ટ વખતે માત્ર ૪૦ એથ્લીટ્સ અને ૧૧ અધિકારીઓ જ જોડાયા હતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, olympic news