અમદાવાદ – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન મનમોહન સિંહને સલાહ આપી છે કે તમે દેશનો વહીવટ સુધારવા માટે ગુજરાત સરકારના વિકાસના મોડેલનું અનુસરણ કરો.
ગુજરાત કોંગ્રેસે શરૂ કરેલા આક્રમક પ્રચાર ‘દિશા બદલો, દશા બદલો’નો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું કે, ગુજરાતમાં ઘણી જાહેરખબરો જોવા મળી રહી છે. અમુક લોકો કુપ્રચાર કરી રહ્યા છે જેઓ ગુજરાતની દિશા અને દશા બદલાવવા માગે છે. ગુજરાતે અત્યંત ઝડપથી પ્રગતિ સાધી છે અને વડા પ્રધાને ગુજરાતની ‘દિશા’ પકડીને દેશની ‘દશા’ બદલવાની જરૂર છે.



















