નવી દિલ્હી – સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ પી.બી. સાવંતે કહ્યું છે કે હું ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ ગુજરાતમાં થયેલા કોમી રમખાણોના કેસોની તપાસ અંગે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે (સીટ) સુપ્રીમ કોર્ટને સુપરત કરેલા રિપોર્ટથી સંતુષ્ટ નથી.
એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં સાવંતે કહ્યું કે સીટ દ્વારા જે તારણ કાઢવામાં આવ્યા છે તે સંપૂર્ણ ખોટા છે. હું તેની સાથે બિલકુલ સહમત નથી. હવે જનતાએ નક્કી કરવાનું છે કે શું સાચું છે અને શું ખોટું છે. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સામે કાયદેસર કાર્યવાહી કરી શકાય તે માટે પૂરતો આધાર છે, જેમાં ધર્મના આધારે જુદી જુદી કોમના લોકો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો પણ સમાવેશ થાય છે.
સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત એસઆઇટીએ ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણોના મામલે નરેન્દ્ર મોદીને ક્લીનચીટ આપી છે.
પણ સાવંતનું કહેવું છે કે કોમી તોફાનો ત્યારે ભડકી ઉઠ્યા જ્યારે નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનો અને પોલીસ અધિકારીઓને લોકોના ઉશ્કેરાટમાં કોઇ દખલગીરી ન કરવાની સૂચના આપી હતી અને જે કંઇ થઇ રહ્યુ હતું તે ગોધરાકાંડની પ્રતિક્રિયા હોવાનું કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનોમાં એક તરફ સીટ દ્વારા મોદીને ક્લીનચીટ આપવામાં આવી છે ત્યારે બીજી તરફ સુપ્રીમ કોર્ટના મિત્ર રાજુ રામચંદ્રને સીટના રિપોર્ટથી તદ્દન જુદો જ રિપોર્ટ આપતા કહ્યું છે કે મોદી સામે કાર્યવાહી કરી શકાય તે માટે પૂરતા આધાર છે, અને આ મામલે સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સંજીવ ભટ્ટ દ્વારા જે નિવેદન આપવામાં આવી રહ્યા છે તેના પર પૂરતું ધ્યાન આપવું જોઇએ.



















