ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાફ થઈ જશેઃ મોદી

રાજકોટ – પોતાની ભારતીય જનતા પાર્ટીમાં અસંતોષ અને મતભેદો હોવાના અહેવાલો વચ્ચે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષના અંતભાગમાં નિર્ધારિત ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રવિવારે બ્યૂગલ ફૂંકી દીધું છે.

ભાજપના રાજ્ય એકમની કારોબારીની અત્રે આયોજિત બે-દિવસીય બેઠકના રવિવારે બીજા અને છેલ્લા દિવસે પક્ષના સભ્યોને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે આપણી પાર્ટી ફરી વાર વિધાનસભાની ચૂંટણી જીતશે. ૨૦૦૭માં આપણી પાસે બહુમતી હતી. હવે ૨૦૧૨માં તેવી તક વધારે ઉજળી બની છે. આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ જશે.

કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, કેન્દ્રમાં નબળી સરકાર હોવાને કારણે જ દેશ તકલીફો ભોગવી રહ્યો છે. વળી, આ સરકારને તેના સહયોગી પક્ષોએ બરબાદ કરી નાખી છે. કોંગ્રેસની સરકારે દેશની એકતાને હચમચાવી નાખી છે.

વડા પ્રધાન મનમોહન સિંહની ટીકા કરતા મોદીએ કહ્યું કે, આપણા વડા પ્રધાન દર વખતે દેશને ખાતરી આપે કે ફૂગાવો ઘટી જશે. પ્રચારમાધ્યમોએ વડા પ્રધાનને તેમણે કરેલી વાતો અને આપેલા ખોટા વચનોથી વાકેફ કરવા જોઈએ. ગુજરાતમાં આપણે વિકાસનો માર્ગ અપનાવ્યો છે. આપણે વિકાસના રાજકારણને ક્યારેય તરછોડી દઈશું નહીં. આપણે શાંતિ, કોમી એખલાસ, ભાઈચારો અને વિકાસમાં માનનારા છીએ.

મોદી તેમ છતાં સંજય જોશીના મુદ્દે કંઈ જ બોલ્યા નહોતા.

આંચકાજનક રીતે, રવિવારે સવારે જ મોદી-વિરોધી તથા જોશીની તરફેણવાળા પોસ્ટરો કારોબારી બેઠકના સ્થળે ભેદી રીતે જોવા મળ્યા હતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, GUJARAT NEWS