અમદાવાદ – અહીંની એક નિયુક્ત કરાયેલી અદાલતે જેમાં ૬૧ આરોપીઓમાં શાસક ભારતીય જનતા પાર્ટીના એક ભૂતપૂર્વ પ્રધાનનો પણ સમાવેશ થાય છે તે, ૨૦૦૨ની સાલના નરોડા પાટિયા કોમી રમખાણ કેસમાં ચુકાદો આપવાનું ૨૯ ઓગસ્ટ સુધી મુલતવી રાખ્યું છે.
સ્પેશિયલ જજ જ્યોત્સના યાજ્ઞિકે ચુકાદો જાહેર કરવા માટે કામચલાઉ રીતે શનિવાર, ૩૦ જૂનની તારીખ આપેલી. પણ હવે તેમણે કોઈ કારણ આપ્યા વિના તે બે મહિના સુધી મુલતવી રાખી દીધો છે.
ગોધરા નજીક સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવી દેવાની ઘટનાને પગલે ગુજરાતભરમાં ફાટી નીકળેલા કોમી રમખાણો દરમિયાન અમદાવાદ નજીકના નરોડા પાટિયા વિસ્તારમાં પણ એક એવો એક અત્યંત ખરાબ બનાવ બન્યો હતો. ગોધરાકાંડ બન્યો તે પછીના દિવસે, એટલે કે ૨૦૦૨ની ૨૮ ફેબ્રુઆરીએ એક હિંસક ટોળાએ નરોડા પાટીયામાં ૯૭ મુસ્લિમોની હત્યા કરી હતી.



















