નવી દિલ્હી – સરકારે ઈંધણ માટે સબ્સિડી આપવા પાછળ થતા જંગી ખર્ચને ઘટાડવા માટે અનેક પગલાં લીધા છે અને તેના ભાગરૂપે સબ્સિડી વગરના રાંધણ ગેસના સિલિન્ડરોની કિંમતમાં રૂ. ૪૬.૫૦નો વધારો કરવામાં આવ્યો છે.
આ વર્ષમાં એપ્રિલથી દેશમાં પરિવાર દીઠ સબ્સિડીવાળા ગેસના સિલિન્ડરોની વાર્ષિક સંખ્યા પરની મર્યાદા ૬ થી વધારીને ૯ કરવામાં આવી છે. સબ્સિડી વગરના સિલિન્ડરનો ભાવ આજે શુક્રવારથી જ રૂ. ૯૪૨ થઈ ગયો છે.
સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ નોન-સબ્સિડાઈઝ્ડ એલપીજી સિલિન્ડરના ભાવમાં ગઈ ૧ નવેંબરે રૂ. ૨૬.૫૦નો વધારો કર્યો હતો, પણ બાદમાં ઉહાપોહ થતાં સરકારે તે પાછો ખેંચ્યો હતો.
તેમ છતાં સબ્સિડીવાળા સિલિન્ડરોની કિંમતમાં સરકારે નવો કોઈ વધારો ન કરતાં અને તેવા સિલિન્ડરોની વાર્ષિક મર્યાદિત સંખ્યા ૯ સુધી વધારી દેતાં ઓઈલ કંપનીઓએ સબ્સિડી વગરના સિલિન્ડરના ભાવમાં રૂ. ૪૬.૫૦નો વધારો કરી દીધો છે.



















