નવી દિલ્હી – લંડન ઓલિમ્પિક્સની ઉદ્દઘાટન વિધિ વખતે ભારતની પરેડમાં બિનસત્તાવાર રીતે ઘૂસી જનાર રહસ્યમયી મહિલાએ શુક્રવારે માફી માગી છે અને તે ઘટનાને જજમેન્ટમાં ભૂલ તરીકે ગણાવી છે. તેણે એમ પણ કહ્યું છે કે એ ઘટનાને સુરક્ષા વ્યવસ્થામાં ભંગ સમાન ગણી શકાય નહીં.
તે સ્ત્રીને મધુરા નાગેન્દ્ર તરીકે ઓળખી કાઢવામાં આવી છે. તે બેંગલોરની રહેવાસી છે. એથ્લીટ્સ પરેડ વખતે ભારતીય સંઘની સાથે, ધ્વજવાહક સુશીલ કુમારની બાજુમાં લાલ રંગના શર્ટ અને બ્લુ જીન્સ પહેરેલી એ સ્ત્રીને ચાલતી જોયા બાદ લંડનમાંના ભારતીય અધિકારીઓ ભડકી ગયા હતા અને ઓલિમ્પિક્સ આયોજકોને ફરિયાદ કરી હતી.
બાદમાં આયોજકોએ ભારતની લેખિતમાં માફી પણ માગી હતી.
લંડન 2012ના વડા સેબાસ્ટિયન કૉએ એ વાતને પુષ્ટિ આપી હતી કે એ સ્ત્રી કાસ્ટ મેમ્બર હતી, પણ આગળ જવા માટે થોડીક વધારે ઉત્સાહમાં આવી ગઈ હતી.
બેંગલોરમાં મધુરાએ કહ્યું છે કે પરખમાં ભૂલને કારણે હું ભારતીય સંઘ સાથે ચાલવા નીકળી હતી. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું એને સુરક્ષા વ્યવસ્થામાં ભંગ સમાન ગણતી નથી. મેં અનધિકૃત પ્રવેશ કર્યો નહોતો, મેં કોઈ ગેટક્રેશિંગ કર્યું નહોતું. હું કાસ્ટિંગ કમિટીની સભ્ય હતી. હું કબૂલ કરું છું કે મારાં વર્તનથી દેશના લોકોની લાગણી દુભાઈ છે. હું મારી ભૂલ કબૂલ કરું છું અને માફી માગું છું.
મધુરાના પિતા કે. નાગેન્દ્રએ ૨૯ જુલાઈએ કહ્યું હતું કે એમની પુત્રીને શૉ ક્રિએટર ડેની બોયલે ઉદ્દઘાટન વિધિ વખતે એક ડાન્સ પરફોર્મન્સ માટે સત્તાવાર રીતે પસંદ કરી હતી.
મધુરા બેંગલોરની કોલેજમાં પોસ્ટ-ગ્રેજ્યુએટ છે.



















