ગુજરાતના ૫૦૦ યુવા ઈજનેરોને સુઝૂકી જાપાનમાં તાલીમ આપશે

ગાંધીનગર – જાપાનની વર્લ્ડ ફેમસ ઓટોઉત્પાદક સુઝૂકી કોર્પોરેશનના માલિક ચેરમેન ઓસામુ સુઝૂકીએ શનિવારે ગુજરાતમાં બહુચરાજી નજીક તેમની કંપનીની ભારતમાંની પેટા-કંપની મારુતિ સુઝૂકી લિમિટેડના પ્લાન્ટના સ્થળની મુલાકાત લીધી હતી.

ઓસામા સુઝૂકી રાજ્યના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા અને કંપનીની વિસ્તરણ યોજના માટે ઉત્તર ગુજરાતના બહુચરાજી નજીકના હંસલપુરમાં પ્લાન્ટ નાખવા માટે ૭૦૦ એકરની જમીનની ફાળવણી કરવા બદલ તેમની સરકારનો આભાર માન્યો હતો.

રાજ્યની નીતિઓને અંતર્ગત રહીને વિશ્વસ્તરની માળખાકીય સુવિધાઓ ડેવેલપ કરવામાં મારુતિ સુઝૂકીને ટેકો આપવાના વચનનું પાલન કરવા બદલ તેમણે ગુજરાત સરકારની પ્રશંસા કરી હતી.

સુઝૂકીએ બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે તેમની કંપની ગુજરાતમાં એક ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરવા પણ વિચારે છે. અમે ગુજરાતમાં બેસ્ટ ટેક્નોલોજીવાળો પ્લાન્ટ નાખીશું. ગુજરાત પ્લાન્ટ પાછળ રૂ. ૪૦૦૦ કરોડનું મૂડીરોકાણ કરવાની અમારી યોજના છે.

તદુપરાંત, ગુજરાતમાં સ્કિલ ડેવેલપમેન્ટ ઉપર ફોકસ કરવાનો વિચાર છે. અમારી કંપની ગુજરાતના પ્લાન્ટમાંથી તેના ૫૦૦ યુવા એન્જિનિયરોને જાપાન તેડાવશે અને ત્યાં એમને ઓટોમોબાઈલની ટ્રેનિંગ આપશે.

મોદીની તાજેતરમાં જાપાન ખાતેની સફળ મુલાકાતનો ઉલ્લેખ કરીને સુઝૂકીએ કહ્યું કે મોદીની મુલાકાત વખતે હેમામાત્સુ ખાતે આયોજિત ઈન્વેસ્ટમેન્ટ સેમિનારમાં ૪૩૦ જેટલી જાપાનીઝ ઓટો વેન્ડર કંપનીઓએ ભાગ લીધો હતો જે પ્રશંસનીય કહેવાય. આનાથી ગુજરાત અને જાપાનની કંપનીઓ વચ્ચે ઈન્વેસ્ટમેન્ટ ભાગીદારીનો વ્યાપ વધશે.

મોદીએ સુઝૂકીના માલિકનું સ્વાગત કરીને તેમને ગુજરાતના નકશાવાળી એક છબી ભેટ આપી હતી.

ગુજરાત સરકારનું કહેવું છે કે ગુજરાતમાં સુઝૂકીની હાજરીથી રાજ્યમાં ઓટોમોબાઈલ સેક્ટરમાં કુશળતાના વિકાસ માટેનો વ્યાપક અવકાશ ઊભો થશે.

ઓસામુ સુઝૂકી સાથે ૧૫-સભ્યોનું પ્રતિનિધિમંડળ ગુજરાત આવ્યું છે.

મોદીને મળ્યા બાદ ઓસામા સુઝૂકી અને તેમના અધિકારીઓ હંસલપુર ગયા હતા જ્યાં તેમના સ્ટાફના સભ્યો તથા ગામવાસીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

હંસલપુર પ્લાન્ટમાં બે વર્ષની અંદર કાર્યાન્વિત થવાની ધારણા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business