વોર્મ-અપ મેચમાં પાકિસ્તાન ભારતને 5-વિકેટથી હરાવી ગયું

કોલંબો – ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ પૂર્વે આજે અહીં રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ભારતનો પાકિસ્તાન સામે પાંચ વિકેટથી પરાજય થયો છે.

પાકિસ્તાનની જીતનો હીરો રહ્યો છે બેટ્સમેન કામરાન અકમલ. એ ૫૦ બોલમાં ૯૨ રન કરીને નોટઆઉટ રહ્યો છે.

ભારતે પોતાની ૨૦ ઓવરમાં ત્રણ વિકેટના ભોગે ૧૮૩ રન કર્યા હતા, પણ પાકિસ્તાને ૧૯.૧ ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર ૧૮૬ રન કરીને મેચ જીતી લીધી.

કામરાને તેના દાવમાં ૬ સિક્સર અને પાંચ બાઉન્ડરી ફટકારી છે.

સામે છેડે શોએબ મલિક ૧૮ બોલમાં ૩૭ રન કરીને નોટઆઉટ રહ્યો.

પાકિસ્તાનને મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં ૬ રન કરવાના હતા. ઈરફાન પઠાણે ફેંકેલી તે ઓવરના પહેલા જ બોલે કામરાને સિક્સર ફટકારી દીધી હતી.

એ પહેલા, ભારતના દાવમાં ફરી વિરાટ કોહલી ચમક્યો હતો. ૪૭ બોલમાં ૭૫ રન કરીને એ નોટઆઉટ રહ્યો હતો. એણે બે સિક્સર અને સાત બાઉન્ડરી ફટકારી હતી.

એને રોહિત શર્મા (૫૬)નો સાથ મળ્યો હતો. રોહિતે ૪૦ બોલના દાવમાં બે સિક્સ અને ૬ બાઉન્ડરી ફટકારી હતી.

કોહલી સાથે યુવરાજ સિંહ ચાર રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

ગૌતમ ગંભીર (૧૦) અને વિરેન્દર સેહવાગ (૨૬)ની જોડીએ ૪૫ રનના સ્કોર પર વિદાય લીધા બાદ કોહલી અને શર્માએ સ્કોરને ૧૭૨ રન પર પહોંચાડી દીધો હતો.

પાકિસ્તાનના દાવમાં કેપ્ટન મોહમ્મદ હફીઝના ૩૮ રનને બાદ કરતા બીજો કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. એને લીધે ભારતના બોલરો એક સમયે જીતનું સપનું જોવા લાગ્યા હતા.

ઈમરાન નઝીર ૧૩ રન કરીને આઉટ થયો હતો જ્યારે નસીર જમશેદ અને શાહીદ આફરિદી ખાતું ખોલાવ્યા વગર જ પેવિલિયનમાં પાછા ફર્યા હતા. ઉમર અકમલ પણ માત્ર બે રન કરી શક્યો હતો.

આર. અશ્વિનની સ્પિન બોલિંગ સામે આઉટ થયેલા પાક બેટ્સમેનો કોઈ પ્રતિકાર કરી શક્યા નહોતા, પણ કામરાન અડીખમ રહ્યો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sports