મુંબઈ – નાણાં મંત્રાલય પેપર મની માટે લોકોના આકર્ષણનો અંત લાવી દેવા માગે છે. એણે કમસે કમ ત્રણ સરકારી બેન્કોને જણાવ્યું છે કે તેમણે નીચે મુજબના કારણોસર ચેકનો ઉપયોગ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવું – ગ્રાહકો, સ્ટાફ, વેન્ડોર્સ અને સપ્લાયર્સને પેમેન્ટ કરવા માટે, લોન છૂટી કરવા માટે અને ઈન્વેસ્ટમેન્ટ માટેનું પેમેન્ટ કરવા માટે. તેમણે આ માટે માત્ર ઈલેક્ટ્રોનિક માધ્યમનો જ ઉપયોગ કરવો.
ભારતીય રિઝર્વ બેન્કે પેપર મનીનો ઉપયોગ ઘટાડવા માટે એક ધ્યેય નક્કી કર્યો છે. તે કેશ-લેસ તંત્ર કરવા માગે છે.
એક અંદાજ મુજબ, ભારતમાં પેપર મની છપાવવા પાછળ વધારે પડતો ખર્ચ કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૦-૧૧માં ભારતમાં રૂ. ૯૫ લાખ કરોડની કરન્સી સર્ક્યૂલેશનમાં હતી. પેપર નોટ્સમાં આ ઘણો મોટો ભાગ કહેવાય.
બેન્ક ચેક, જે પેપર કરન્સીનો એક અન્ય પ્રકાર છે તેના પ્રિન્ટિંગ, ક્લિયરિંગ અને કોર્પોરેટ અકાઉન્ટ્સ સહિત એક વ્યક્તિ પાસેથી બીજી વ્યક્તિને ટ્રાન્સફર કરાવવા પાછળ દર વર્ષે આપણી બેન્કો લગભગ રૂ. ૮૦૦૦ કરોડ ખર્ચે છે.
આટલું ઓછું હોય તેમ, હવે આપણે ત્યાં સોડેક્સો અને ટિકિટ વાઉચર્સ જેવા બીજા વધારે પેપર કેશ પણ શરૂ થયા છે. આ ઈસ્યૂ કરે છે ખાનગી પાર્ટીઓ અને કંપનીઓ. તેઓ એમના કર્મચારીઓને ટેક્સ-ફ્રી વળતરના રૂપમાં આ આપે છે. આ વાઉચર્સ માત્ર રેસ્ટોરાંઓમાં જમવા અથવા અન્ય ચોક્કસ પ્રકારની જોગવાઈઓ માટે જ વાપરી શકાય છે.
અસલના સમયમાં પેપર કરન્સી એટલા માટે ઈસ્યૂ કરાતી હતી કે તે ધાતુના સિક્કાઓ મિન્ટ કરવાના ખર્ચ કરતા સસ્તી પડતી હતી. હવે, તેમની લાઈફસાઈકલ અંતને આરે આવી રહી છે, કારણ કે તેની પાછળનો પણ ખર્ચ ઘણો વધી ગયો છે.
પેપર મની પ્રિન્ટ કરવા પાછળ જે ખર્ચ થાય છે તે અગાઉના કરતાં ઘણો વધી ગયો છે. એક સિંગલ ચેક પાછળ રૂ. ૨૫-૪૦નો ખર્ચ થાય છે (એક એકાઉન્ટમાંથી કેશ બીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે). રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની પ્રત્યેક નોટ છપાવવા પાછળ ત્રણ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. પાંચ રૂપિયાની નોટના પ્રિન્ટિંગ પાછળ લગભગ ૫૦ પૈસાનો ખર્ચ થાય છે.
પેપર મનીના પ્રિન્ટિંગ પાછળનો ખર્ચ જો આટલો વધારે છે તો કાગળનો ઉપયોગ શું કામ કરવો? કારણ કે હવે પૈસા ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સફર કરી શકાય છે. જેમ કે તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવી શકો છો, સ્માર્ટ કાર્ડ દ્વારા ચૂકવી શકો છે અથવા મોબાઈલ એકાઉન્ટ્સ મારફત પણ પૈસા ટ્રાન્સફર કરી શકાય છે.



















