પાકિસ્તાનના વડા પ્રધાનને કોર્ટે આપી ૧૮ સપ્ટેંબર સુધી રાહત

ઈસ્લામાબાદ – નેશનલ રીકન્સિલિએશન ઓર્ડિનન્સ (એનઆરઓ) અમલીકરણ કેસમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે વડા પ્રધાન રાજા પરવેઝ અશરફે કરેલી વિનંતીનો સ્વીકાર કરીને તેમને ૧૮ સપ્ટેંબર સુધીનો સમય આપ્યો છે.

અશરફે કોર્ટને કરેલી વિનંતીમાં જણાવ્યું હતું કે આ કેસનો નિવેડો લાવવા માટે એમને તેમની લીગલ ટીમ સાથે મસલત કરવા માટે ચારથી છ અઠવાડિયા જેટલો સમય જોઈએ છે. કોર્ટે તેમની વિનંતીનો સ્વીકાર કર્યો છે.

ન્યાયમૂર્તિ આસીફ સઈદ ખોસાની આગેવાની હેઠળ પાંચ-જજોની બેન્ચે અશરફને કહ્યું કે ઉત્સાહપ્રેરક ખાતરી મળે એમ હોય તો જ સુપ્રીમ કોર્ટ તમને વધારે સમય આપવા તૈયાર છે.

ત્યારે અશરફે કહ્યું કે હું એક રાજકીય કાર્યકર્તા છું, વકીલ નથી. મારે આ કેસનો નિવેડો લાવવો છે, તેને લંબાવવો નથી, પણ મારે મારી લીગલ ટીમના સભ્યો સાથે મસલત કરવા વધારે સમયની જરૂર છે.

અશરફે કોર્ટને એવી પણ વિનંતી કરી કે આ કેસમાં તેમની વિરુદ્ધ ઈસ્યૂ કરાયેલી કારણદર્શક નોટિસ પણ કોર્ટ પાછી ખેંચી લે, કારણ કે આનાથી પાકિસ્તાનના સાર્વભૌમત્વનું નામ ખરાબ થાય છે.

આ કેસ અદાલતના તિરસ્કારના મામલાનો છે. અશરફ કોર્ટના હૂકમ અનુસાર સોમવારે સવારે સુનાવણી માટે કોર્ટમાં હાજર થયા હતા. દેશના પ્રમુખ આસીફ અલી ઝરદારી સામે સ્વિટ્ઝરલેન્ડમાં ભ્રષ્ટાચારના મુકદ્દમાને ફરીથી ખોલવાના કોર્ટના આદેશની અવગણના કરવા બદલ અદાલતના તિરસ્કારના મામલે કોર્ટમાં હાજર થવાની અશરફને નોટિસ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ જ મામલે ભૂતપૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીને પણ કોર્ટના તિરસ્કારની નોટિસ આપી હતી અને બાદમાં એમને દોષી ઠેરવીને વડા પ્રધાન પદ માટે અયોગ્ય જાહેર કર્યા હતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, INTERNATIONAL NEWS