ગૌરવ અનુભવું છું, સોનિયાજીનો આભારી છું: પ્રણવ

નવી દિલ્હી – કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ પદ માટે યુપીએના ઉમેદવાર તરીકે પ્રણવ મુખરજીના નામની સત્તાવાર રીતે જાહેરાત કર્યા બાદ નાણાં પ્રધાન મુખરજીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, હું આ ઓફરનો સહર્ષ સ્વીકાર કરું છું. મારી પસંદગીને હું મારું સમ્માન ગણું છું અને પક્ષપ્રમુખ (સોનિયા ગાંધી)નો આભારી છું. મને ટેકો આપવાની મેં તમામ રાજકીય પક્ષોને વિનંતી કરી છે.

મુખરજીએ એમ પણ કહ્યું કે, મારી ૫૦ વર્ષની રાજકીય કારકિર્દીમાં મારી પાર્ટીના સાથીઓ, સભ્યો તથા તમામ રાજકીય પક્ષોના નેતાઓના પ્રેમ, લાગણી અને વિશ્વાસ પ્રાપ્ત કરવાનું મને ભાગ્ય સાંપડ્યું છે.

જો તમે રાષ્ટ્રપતિ બનશો તો તમારી જગ્યાએ નાણાં પ્રધાન કોણ બનશે? એવા સવાલના જવાબમાં મુખરજીએ કહ્યું કે એ નિર્ણય કોંગ્રેસપ્રમુખ અને વડા પ્રધાન મનમોહન સિંહ લેશે.

દરમિયાન, મુખરજીના અનુગામી તરીકે જયરામ રમેશ (ગ્રામિણ વિકાસ પ્રધાન), સી. રંગરાજન (વડા પ્રધાન માટેના આર્થિક સલાહકાર મંડળના વડા), આનંદ શર્મા (વાણિજ્ય પ્રધાન), પી. ચિદમ્બરમ (ગૃહ પ્રધાન), મોન્ટેક સિંહ અહલુવાલિયા (આયોજન પંચના નાયબ અધ્યક્ષ)ના નામ ચર્ચાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News