વોશિંગ્ટન – યુએસ પ્રમુખ બરાક ઓબામાને રવિવારે અમેરિકાના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે તેમના કાર્યાલયમાં બીજી મુદત માટેના શપથ ગ્રહણ કરાવ્યા છે. વ્હાઈટ હાઉસ ખાતેની આ વિધિ એકદમ ખાનગી રાખવામાં આવી હતી.
વ્હાઈટ હાઉસના બ્લૂ રૂમમાં યોજાયેલી શપથ ગ્રહણ વિધિમાં ઓબામાએ પ્રમુખપદના શપથ માટે દેશના બંધારણમાં લખવામાં આવેલા શબ્દોનું પુનઃ ઉચ્ચારણ કર્યું હતું: ‘હું બરાક ઓબામા, દ્રઢતાપૂર્વક શપથ લઉં છું કે હું અમેરિકાનાં પ્રમુખના હોદ્દાની ફરજ ઈમાનદારીથી બજાવીશ અને હું મારી શ્રેષ્ઠ ક્ષમતા સાથે અમેરિકાના બંધારણનું રક્ષણ કરીશ અને તેનો બચાવ પણ કરીશ. ઈશ્વર મને એ માટે મદદ કરજો.’
૨૦૦૯માં જ્યારે ઓબામાએ યુએસ પ્રમુખ તરીકે પહેલી વાર શપથ લીધેલા ત્યારે જોન રોબર્ટ્સ શપથ લેવડાવતી વખતે થોથવાઈ ગયા હતા. આ વખતે એમણે શપથ માટેની પ્રત્યેક લાઈન મોટેથી વાંચી હતી જેનો ઓબામાએ પુનરોચ્ચાર કર્યો હતો. એ બોલતી વખતે ઓબામાએ તેમનો જમણો હાથ ઉપર રાખ્યો હતો અને ડાબો હાથ પારિવારિક બાઈબલ પુસ્તક પર રાખ્યો હતો.
લગભગ એક મિનિટ સુધી ચાલેલી તે વિધિ પૂરી થયા બાદ ઓબામાએ એમનાં પત્ની મિશેલ અને બે પુત્રીઓ – મલીઆ અને સશાને ભેટ્યા હતા. એમણે નાની દીકરી સશાને એવી ટકોર પણ કરી હતી, ‘આઈ ડીડ ઈટ.’
ઓબામા સોમવારે જાહેર સમારંભમાં ફરી શપથ લેશે અને ત્યારબાદ યુએસ કેપિટોલ હિલની બહાર એકત્ર થયેલી મેદની સમક્ષ આવીને સમગ્ર અમેરિકાની જનતાને સંબોધિત કરશે. તે પ્રસંગનું આખા વિશ્વમાં ટીવી પ્રસારણ કરવામાં આવશે.
રવિવારે સવારે ઉપપ્રમુખ તરીકે જૉ બિડને નેવલ ઓબ્ઝર્વેટરી ખાતે એક અલગ વિધિમાં તેમના હોદ્દાના શપથ લીધા હતા.
ઓબામાએ ગયા વર્ષના નવેંબરમાં યોજાઈ ગયેલી ચૂંટણીમાં રીપબ્લિકન પાર્ટીના મિટ રોમની ઉપર વિજય હાંસલ કર્યો હતો.



















