જયપુર – કોંગ્રેસ પાર્ટીની ચિંતન શિબિરના આજે શનિવારે બીજા અને છેલ્લા દિવસે ઘણા નેતાઓએ ‘વધારે મોટી જવાબદારી’ પોતાને હસ્તક લેવાની રાહુલ ગાંધીને વિનંતી કરી હતી.
આ માગણી શુક્રવારે ચિંતન બેઠકના પહેલા દિવસે પણ કરાઈ હતી અને શનિવારે તેણે જોર પકડ્યું હતું.
કોંગ્રેસના પ્રવક્તા રાશીદ અલ્વીએ સભ્યોની લાગણીમાં સુર પૂરાવતાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી રાહુલ ગાંધીથી ડરે છે. એ લોકો પાસે રાહુલ ગાંધી જેવા યુવા નેતા નથી. મારી તેમને સલાહ છે કે તેઓ હકારાત્મક રાજકારણ રમે.
રાહુલ ગાંધી પાર્ટીમાં મોટી જવાબદારી પોતાના હાથમાં લે એવી માગણી કરનારાઓમાં શનિવારે કેન્દ્રીય પ્રધાનો જ્યોતિરાદિત્ય સિંધિયા, મિલિંદ દેવરા, રાજીવ શુક્લા, જિતીન પ્રસાદ, સિનિયર નેતા મણીશંકર ઐયરનો સમાવેશ થાય છે.
દેવરાએ કહ્યું કે શિબિરમાં સર્વસંમત્તિ અને સમાન લાગણી હતી કે યુવા સભ્યોને વધારે સત્તા આપવી જોઈએ. પહેલા દિવસે રાજ બબ્બર અને અવતાર સિંહ બાધના જેવા અનેક નેતાઓએ માગણી કરી હતી કે રાહુલ ગાંધીને લોકસભાની હવે પછીની ચૂંટણી પહેલા કોંગ્રેસે વડા પ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરી દેવા જોઈએ.
ઓઈલ પ્રધાન વીરપ્પા મોઈલીએ કહ્યું કે, રાહુલ પહેલેથી જ અમારા આગળ પડતા નેતા રહ્યા છે. સ્થિરતા લાવી શકે એવા અમારી પાસે નેતાઓ છે અને અમને તેમના પર ગર્વ છે.



















