જયપુર – કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કરાયા બાદ ગાંધી પરિવારના રાજકુંવર, સંસદસભ્ય રાહુલ ગાંધીએ અહીં પાર્ટીની ચિંતન શિબિર બાદ આજે રવિવારે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં જુસ્સાદાર ભાષણ કર્યું અને તેમાં અનેક મુદ્દાઓને આવરી લીધાં હતા. તેમણે પોતાનાં ભાષણમાં એમના દાદી (સ્વ. વડાં પ્રધાન ઈન્દિરા ગાંધી અને પિતા સ્વ. વડા પ્રધાન રાજીવ ગાંધી)નું નામ લઈને પક્ષના સભ્યોને લાગણીવશ કરી દીધા હતા. એમણે કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીનાં ઉપપ્રમુખ બન્યો છું એ મારે મન ગૌરવની વાત છે. એમણે એમ પણ કહ્યું કે, ગઈ કાલે (શનિવારે) રાત્રે મારા માતા (સોનિયા ગાંધી) મારી પાસે આવ્યાં હતાં અને કહ્યું હતું કે સત્તા ઝેર સમાન હોય છે. એ તાકાતની સાથે જોખમો પણ લાવે છે.
રાહુલે વધુમાં કહ્યું કે…
- દેશનાં ભવિષ્ય વિશે હું ખૂબ જ આશાવાદી છું
- હું માત્ર યુવા વ્યક્તિઓનો જ છું એવું નથી, હું દરેક જણની સાથે છું.
- આપણે આખા દેશમાં એવા ૪૦-૫૦ નેતાઓની જરૂર છે જેઓ માત્ર રાજ્યોમાં જ શાસન કરે એટલું જ નહીં, આખો દેશ ચલાવે. દરેક રાજ્યમાં આપણી પાસે એવા ૫-૭ નેતા હોવા જોઈએ.
- પાંચથી છ વર્ષમાં આપણે ત્યાં એવી પરિસ્થિતિ નિર્માણ થવી જોઈએ કે જે કોઈ રાજ્યમાં સક્ષમ મુખ્ય પ્રધાનની જરૂર પડે તો આપણી પાસે મહારથીઓ મોજૂદ હોય.
- આપણે દેશમાં પરિવર્તનની જરૂર છે, પણ પૂરતો વિચારવિમર્શ કરીને
- આપણે દેશભરમાં સક્ષમ નેતાઓને તૈયાર કરવાની જરૂર છે.
- દેશમાં સત્તાનું સંતુલન ગામડાઓમાં પંચાયત સુધી પહોંચવું જોઈએ
- દેશનો યુવા વર્ગ ઈચ્છે છે કે નીતિવિષયક બાબતો, રાજકારણમાં એમનો અવાજ સંભળાવો જોઈએ
- ડાયરેક્ટ કેશ સબ્સિડી ટ્રાન્સફર યોજનાથી પૈસા સામાન્ય માનવીઓ સુધી પહોંચાડવાનું પ્રશાસનનું સપનું સાકાર થશે
- જે લોકો ભ્રષ્ટાચારી છે એ જ લોકો ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાતો કરે છે
- હું તમને વચન આપું છું કે હું પાર્ટીમાં સૌને સમાન ગણીશ અને બધાયનું સાંભળીશ.
- કોંગ્રેસ પાર્ટી મારી જિંદગી છે, અને ભારતની જનતા મારી જિંદગી છે. હું ભારતની જનતા અને આ પાર્ટી માટે લડીશ. જે કંઈ પણ મારી સામે આવશે એની સામે હું લડીશ. હું તમને સૌને અપીલ કરું છું કે તમે પણ આ લડાઈમાં જોડાવ.



















