અમદાવાદ સહિત રાજ્યભરમાં પડી રહ્યો છે વરસાદ, નાગરિકોએ લીધો રાહતનો શ્વાસ

અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અમદાવાદના એસજી હાઇવે, રાણીપ, સેટેલાઇટ, પ્રહલાદનગર, લાલ દરવાજા, ગોતા વસ્ત્રાપુર, ચાંદલોડિયા, કે.કે નગર, ઘાટલોડિયા સહિતના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા ગરમીમાંથી રાહત મળી હતી.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી વાતાવરણ સર્જાયું છે. અને આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે જાણે મેઘરાજા પણ આ આગાહી સાચી કરવા મહેનત કરી રહ્યા છે. અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો છે.

આખા રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યાં અમદાવાદમાં આજ સવારથી વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં ત્રણ દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે જ્યારે વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે વસ્ત્રાપુર, સેટેલાઈટ, મેમનગરમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

તો બીજી તરફ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં રવિવારે સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સોમવારે સવારે છ વાગ્યા સુધી વાવમાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે.

રાજ્યના ૨૮ તાલકાઓમાં અડધા ઇંચથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેમાં દાહોદ, સાગબારા, વાલોદ, સતલાસણા, ધરમપુર, સૂઇગામ, લીમખેડા, બારડોલી, વડગામ, ખેરાલુ, માંડવી(સુરત), વંથલી, હાંસોટ, કામરેજ, બોડેલી, માંગરોળ, ખેરગામ, વાંકાનેર, વિસાવદર, વ્યારા, ચોટીલા, જાંબુઘોડા, વાગરા, ડિસા, જામનગર, ભેંસાણ, ખાંભા, નડિયાદ અને ઝગડિયા તાલુકાનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યના ૧૧૦ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાનો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે.

સોમવારે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદની માહિતી જોઈએ તો, અમીરગઢમાં 9 મિ.મી., ભાભરમાં 35 મિ.મી., દાંતીવાડામાં 10 મિ.મી., દિયોદરમાં 102 મિ.મી., ડીસામાં 14 મિ.મી., કાંકરેજમાં 34 મિ.મી., પાલનપુરમાં 04 મિ.મી., થરાદમાં 171 મિ.મી., વાવમાં 230 મિ.મી., વડગામમાં 20 મિ.મી., લાખણીમાં 47 મિ.મી., સુઈગામમાં 21 મિ.મી. વરસાદ પડ્યો છે.

અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદ નોંધાયો છે. જેમાં મેઘરજ તાલુકામાં 1.3 ઇંચ, મોડાસા,માલપુર અને ભિલોડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે કપાસ, મગફળી, મકાઈ સહિતના પાકોને જીવતદાન મળ્યું છે. જિલ્લામાં હજી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની અનેક નદીઓમાં નવા નીર આવ્યા છે. ઉમરપાડા ચિતલદા ગામ ચેક ડેમ ઓવર ફ્લો થયો છે, તો દિવતણ ગામની સીમમાં દેવઘાત ધોધ છલકાયો છે. અરવલ્લી જિલ્લામાં નદી-નાળામાં નવા નીર આવ્યા છે. રાજસ્થાન તરફથી મેશ્વો નદીમાં નવા નીર આવતા ઉત્તર ગુજરાતની કેટલીક નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. શામળાજી પંથકમાં નાળામાં પાણી આવતા ચેકડેમ છલકાયા છે.

સૂરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લાં 24 કલાકમાં ઉમરપાડા માં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ મોસમનો કુલ વરસાદ 5590 એમ.એમ. નોંધાયો અંબાજી અમીરગઢ પાસે બનાસ નદીમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાથી બનાસ નદીમાં પાણીની આવક થી છે. ખેડૂતોની જીવાદોરી સમાન બનાસ નદીમાં નવુ પાણી આવતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. તો બીજી તરફ, સતત વરસી રહેલા વરસાદને પગલે નદીના નીરના આવકમાં વધવાની સંભાવના છે. 

તો ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉપરવાસમાંથી 14025 ક્યુસેક પાણીની આવક સામે 12122 ક્યુસેક પાણીની જાવક છે. હાલની ડેમની સપાટી 121.74 મીટર છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં 10 સેમીનો ઘટાડો નોંધાયો છે. હાલ મેઈન કેનાલમાં ગુજરાત માટે 12000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાં 1590 mcm પાણીનો લાઈવ સ્ટોરેજ જથ્થો છે. CHPHના 3 પાવર હાઉસના ટર્બાઇન ચાલુ છે.