ઈસ્લામાબાદ – પાકિસ્તાનની સંસદના નીચલા ગૃહ, રાષ્ટ્રીય ધારાસભાએ દેશના નવા, ૧૭મા વડા પ્રધાન તરીકે શાસક પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના ઉમેદવાર રાજા પરવેઝ અશરફને ચૂંટી કાઢ્યા છે. તેમની સામે ઊભેલા સરદાર મેહતાબ અબ્બાસીનો પરાજય થયો છે. અબ્બાસી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ના ઉમેદવાર હતા.
અશરફને ૨૧૧ મત જ્યારે અબ્બાસીને ૮૯ મત મળ્યા છે.
ભૂતપૂર્વ પાણી સાધન તથા ઊર્જા ખાતાના પ્રધાન અશરફને વિજેતા અને નવા વડા પ્રધાન ઘોષિત કરાયા બાદ ગૃહના તમામ સભ્યો તેમજ દેશના પ્રમુખ આસીફ અલી ઝરદારીએ તેમને અભિનંદન આપ્યા હતા.
ગૃહમાં સભ્યોએ અશરફ ઉપર ગુલાબના ફૂલની પાંખડીઓનો વરસાદ વરસાવ્યો હતો.
યુસુફ રઝા ગિલાનીને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે અદાલતના તિરસ્કારના કેસમાં ગેરલાયક ઠેરવ્યા બાદ નવા વડા પ્રધાનની નિમણૂંક કરવાની દેશના રાજકીય પક્ષોને ફરજ પડી છે.
ચૂંટણી યોજાઈ તે પહેલા વડા પ્રધાન પદ માટે રાજા પરવેઝ અશરફ અને અબ્બાસી ઉપરાંત ત્રીજા ઉમેદવાર પણ હતા જે જમાઈત-ઉલેમા-એ-ઈસ્લામના વડા મૌલાના ફઝલુર રહેમાન હતા. બાદમાં તે આ રેસમાંથી હટી ગયા હતા અને ટક્કર અશરફ અને અબ્બાસી વચ્ચે રહી ગઈ હતી.
સ્પિકર ફેહમીદા મિર્ઝાના અધ્યક્ષપદ હેઠળ મળેલી રાષ્ટ્રીય ધારાસભાની વિશેષ બેઠકમાં સભ્યોને મતદાન માટે જણાવાયું હતું કે જે લોકો રાજા પરવેઝની તરફેણમાં હોય તેમણે લોબી ‘A’ તરફ જવું અને જેઓ સરદાર મેહતાબના પક્ષમાં હોય તેમણે લોબી ‘B’ તરફ જવું. તમામ સભ્યોએ વોટ આપી દીધા બાદ મતગણતરી કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ, નવી કેબિનેટ આગલી હતી એ જ ચાલુ રહેશે.



















