ન્યૂ યોર્ક – ગોલ્ડમેન સેશ ગ્રુપના બોર્ડના ભૂતપૂર્વ ભારતીય-અમેરિકન સભ્ય રજત ગુપ્તાને ઈન્સાઈડર ટ્રેડિંગના ૬માંથી ચાર કેસોમાં દોષી કસુરવાર ઠેરવવામાં આવ્યા છે. દોષી જાહેર કરવામાં આવેલા હેજ ફંડ અબજોપતિ રાજ રાજારત્નમને અંદરખાને જાણકારી પહોંચાડવાનો રજત ગુપ્તા પર આરોપ છે. રાજારત્નમ ગુપ્તાના મિત્ર હોવાનું પણ છે.
અમેરિકામાં નાણાકીય કટોકટી ચરમસીમા પર હતી ત્યારે ઈન્વેસ્ટમેન્ટ બેન્કની બોર્ડ મીટિંગમાં લેવાયેલા ગુપ્ત નિર્ણયોની જાણકારી લીક કરવા માટે ગુપ્તાને કસુરવાર ઠેરવવામાં આવ્યા છે. મેનહટ્ટન ફેડરલ કોર્ટ જ્યૂરીના નિર્ણયને પ્રોસિક્યૂટરો માટે મોટા વિજય સમાન ગણવામાં આવે છે જેઓ વોલ સ્ટ્રીટ પર ઈન્સાઈડર ટ્રેડિંગનો અંત લાવવા માગે છે.
ગુપ્તા પ્રોક્ટર એન્ડ ગેમ્બલ કંપનીના પણ ભૂતપૂર્વ ડિરેક્ટર છે.
૬૩ વર્ષીય ગુપ્તાને સિક્યૂરિટીઝ કૌભાંડના ત્રણ આરોપ તથા ષડયંત્રને લગતા એક આરોપ માટે કસુરવાર ઠેરવવામાં આવ્યા છે.
ગુપ્તાને ૨૫ વર્ષની જેલની સજા થઈ શકે છે. સિક્યૂરિટીઝ છેતરપિંડી માટે મહત્તમ સજા ૨૦ વર્ષની છે જ્યારે ષડયંત્ર માટે વધુમાં વધુ પાંચ વર્ષની સજાની જોગવાઈ છે.
રાજારત્નમને સિક્યૂરિટીઝ કૌભાંડના ૧૪ આરોપ માટે ગયા વર્ષે દોષી જાહેર કરવામાં આવ્યો છે. તેને ૧૧ વર્ષની જેલની સજા કરવામાં આવી છે.
શુક્રવારે, જ્યૂરીએ ચુકાદો સંભળાવ્યો ત્યારે કોર્ટમાં હાજર ગુપ્તા હતાશ થઈ ગયા હતા અને તેમની પત્ની તથા ચાર પુત્રી પાસે ગયા હતા. પરિવારજનો એકબીજાને ભેટ્યા હતા. ગુપ્તાએ તેમની રડતી પુત્રીઓને શાંત પાડી હતી.
ગુપ્તાના વકીલનું કહેવું છે કે ગુપ્તા અપીલમાં જાય એવી સંભાવના છે.



















