ચોક્કસપણે મોદી જ વડા પ્રધાન બનશેઃ રાજનાથ સિંહ

174974અમદાવાદ – ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજનાથ સિંહે કહ્યું છે કે નરેન્દ્ર મોદી ચોક્કસપણે વડા પ્રધાન બનશે. પાર્ટીના સિનીયર નેતાઓની ભૂમિકા વિશેનો નિર્ણય તેમની સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગ્રુપના જ્વલંત વિજયની દેશભરના વિવિધ એક્ઝિટ પોલ્સ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે ભાજપની સંભવિત સરકારની રચનાના મામલે પાર્ટીના સિનીયર નેતાઓ દ્વારા ચર્ચા શરૂ કરવામાં આવી છે.

રાજનાથ સિંહ પાર્ટીના પીએમ પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવા પાર્ટીના અન્ય બે સિનીયર નેતા – નીતિન ગડકરી અને અરૂણ જેટલીની સાથે આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા.

રાજનાથે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મોદી સાથે હું ફોન પર તો વાતચીત કરતો જ હતો, પણ પ્રત્યક્ષ રીતે મળ્યા વિના આખી ચર્ચા કરવાનું શક્ય નહોતું તેથી અહીં આવ્યો છું.

૧૬ મેએ લોકસભા ચૂંટણી માટે દેશભરમાં મતગણતરી હાથ ધરવામાં આવનાર છે અને તે જ દિવસે પરિણામોની પણ જાહેરાત કરાશે.

પત્રકારો સાથેની વાતચીતમાં રાજનાથે કહ્યું કે, એ વાત ચોક્કસ છે કે મોદી વડા પ્રધાન બનશે.

એલ.કે. અડવાણી જેવા વરિષ્ઠ નેતાની ભૂમિકા વિશે પૂછતાં, રાજનાથ સિંહે કહ્યું કે હું પાર્ટીના સિનીયર નેતાઓને મળીશ.

ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકે મોદીનું સ્થાન કોણ લેશે? એવા સવાલના જવાબમાં રાજનાથે કહ્યું, તમને એની જાણકારી ટૂંક સમયમાં જ મળી જશે.

Filed in: Breaking News, GUJARAT NEWS


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”