ગડકરી સામે પાયાવિહોણા આરોપ કરાયા છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હી – ભાજપના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા રાજનાથ સિંહે એમના પુરોગામી નીતિન ગડકરીનો એમ કહીને બચાવ કર્યો છે કે ગડકરી સામે ભ્રષ્ટાચારના કરાયેલા આરોપ ખોટા અને પાયાવિહોણા છે. એવા આરોપને કારણે જ એમને પ્રમુખ તરીકે બીજી મુદતે ચાલુ રહેવામાંથી ખસી જવાની ફરજ પડી છે.

પત્રકારો સાથેની વાતચીતમાં રાજનાથે કહ્યું કે, જે સંજોગોમાં મારે પક્ષપ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારવી પડી છે એનાથી અમે ખુશ નથી. ગડકરી અમારા એવા કાર્યકર્તા છે જેમની સામે કોઈ શંકા કરી શકાય એમ નથી. અમે તો ઈચ્છતા હતા કે તે બીજી મુદતમાં ચાલુ રહે. એ માટે અમે પક્ષના બંધારણમાં સુધારો પણ કર્યો હતો, પણ પાયાવિહોણા આરોપ દ્વારા એમની સામે જે રીતે હુમલો કરવામાં આવ્યો છે, એનાથી તેમનું દિલ દુભાયું છે અને તેમણે રાજીનામું આપી દીધું.

ગડકરીએ મંગળવારે આપેલા રાજીનામા બાદ આજે બુધવારે સવારે મળેલી ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠકમાં મોવડીમંડળે રાજનાથ સિંહને વર્ષ ૨૦૧૩થી ૨૦૧૫ માટે બિનહરીફ પક્ષનાં પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા હતા. સંસદીય બોર્ડની બેઠક પૂરી થયા બાદ રાજનાથ સિંહે પ્રમુખપદ માટે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતું.

ગઈકાલે મોડી સાંજે દિલ્હીમાં ભાજપનાં વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનાં નિવાસસ્થાને બેઠક મળી હતી જેમાં ભાજપનાં ટોચના રાષ્ટ્રીય નેતાઓ હાજર રહ્યા હતા. તે બેઠકમાં ગડકરીને પક્ષપ્રમુખ તરીકે ચાલુ રાખવા કે નહીં તે મુદ્દે ચર્ચા થઈ હતી. પરંતુ નિતિન ગડકરી પર લાગેલા ભ્રષ્ટાચારનાં આરોપોને કારણે ભાજપની છબી ખરાબ થવાની શક્યતા જણાતાં રાજનાથ સિંહને પક્ષનું નેતૃત્વ ફરી સોંપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

ભારતનાં ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી બાદ પક્ષનાં રાજનાથ સિંહ ત્રીજા એવા નેતા છે જેમને બીજી વાર ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ બનવાની તક મળી છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news