ભારત આઈએસઆઈ પર ખોટો આરોપ મૂકે છે: રહેમાન મલિક

ઈસ્લામાબાદ – પાકિસ્તાનના વડા પ્રધાનને ગૃહ ખાતાને લગતી બાબતો માટેના સલાહકાર રહેમાન મલિકનું કહેવું છે કે ભારત હંમેશા કોઈ પ્રકારના પુરાવા વગર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સને દોષ દેતું હોય છે અને એ બદલ ક્યારેય માફી માગતું નથી.

અહીં પત્રકાર પરિષદને સંબોધિત કરતા મલિકે દાવો કર્યો કે ભારતના પોતાના સરકારી બિન-સરકારી તત્વો જ ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. હું ભારત પર દોષારોપણ કરતો નથી, પણ પરિસ્થિતિને સ્પષ્ટ કરું છું. ભારતની સિસ્ટમમાં કોઈક ટેક્નિકલ ખામી છે અને ઊલટાનો તે આપણી પર આરોપ મૂકે છે.

મલિકે એમ પણ કહ્યું કે, ભારતે ઘણી વાર આરોપ મૂક્યો છે કે ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાન સંડોવાયેલું છે, પણ બાદમાં તેના આરોપ ખોટા પુરવાર થયા છે અને તેને લીધે દ્વિપક્ષી સંબંધો પર માઠી અસર પહોંચી છે. ભારતે પાકિસ્તાનને દોષ દેતા પહેલા પાકું કરવું જોઈએ.

આ અઠવાડિયાના આરંભમાં નવી દિલ્હીમાં પકડાયેલા ત્રાસવાદી સૈયદ ઝબીઉદ્દીન અન્સારી ઉર્ફે અબુ જુંદાલ ઉર્ફે અબુ હમઝાએ તેની પૂછપરછમાં કબૂલ કર્યું છે કે ૨૦૦૮ના મુંબઈ ટેરર હુમલાઓમાં પાકિસ્તાનની આઈએસઆઈ એજન્સી સંડોવાઈ છે એવા ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમે બુધવારે નવી દિલ્હીમાં કરેલા આરોપ બાદ રહેમાન મલિકે ઈસ્લામાબાદમાં પત્રકાર પરિષદ બોલાવીને પોતાની રજૂઆત કરી.

મલિકે કહ્યું કે, અમને અમારી આઈએસઆઈ માટે ગર્વ છે. જુંદાલ ભારતીય નાગરિક છે, એણે ભારતમાં ગુનો કર્યો અને એ ભારતમાં જ પકડાયો છે. ભારત સરકાર પોતાના નાગરિકોનું રક્ષણ કરી શકતી નથી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, INTERNATIONAL NEWS