ઉસ્માનાબાદ (મહારાષ્ટ્ર) – મહારાષ્ટ્રના યાત્રાધામ શિર્ડી ખાતે આવેલા સાઈબાબાના મંદિરે દર્શન કરવા જતા યાત્રાળુઓની એક બસ શુક્રવારે મોડી રાત્રે ઉસ્માનાબાદ નજીક ખાઈમાં પડતા ઓછામાં ઓછા ૩૨ યાત્રાળુઓનાં કરૂણ મોત નિપજ્યા છે અને બીજાં ૨૦ને ઈજા થઈ છે.
તે બસ એક ખાનગી ટ્રાવેલ કંપનીની હતી અને હૈદરાબાદથી શિર્ડી જતી હતી.
બસ અડધી રાત્રે લગભગ બે વાગ્યાના સુમારે એક પૂલ પરથી ખાઈમાં પડી હતી. ઈજા પામેલાઓમાંના ઘણાની હાલત ગંભીર હોવાથી મરણાંક ઊંચો જવાની સત્તાવાળાઓએ દહેશત વ્યક્ત કરી છે.
કમનસીબ બસ કાવેશ્વરી ટ્રાવેલ્સની હતી. તે એક સાંકડા રસ્તા પરથી સરકી ગઈ હતી અને પૂલ પરથી નીચે પડી હતી.
ઈજાગ્રસ્તોને ઉસ્માનાબાદ અને સોલાપુરની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
બનાવ નજરે જોનારાઓના જણાવ્યા મુજબ, બસ ચારથી પાંચ વાર ગુલાંટ ખાઈ ગઈ હતી અને પૂલ નીચે લગભગ ૩૦ ફૂટ નીચે નદીમાં પડી તે પહેલા એમાં આગ પણ લાગી હતી.
આ અકસ્માત હૈદરાબાદ-સોલાપુર હાઈવે પર ઉસ્માનાબાદ શહેરથી લગભગ ૪૦ કિ.મી. દૂર આવેલા જાકોત ગામ નજીક બન્યો હતો.
બચી ગયેલા કેટલાક મુસાફરોનું કહેવું હતું કે બસના ડ્રાઈવરે દારૂ પીધો હતો અને તે ખૂબ સ્પીડમાં બસ ચલાવતો હતો અને તેને કારણે અકસ્માત થયો.



















