લખનઉ – ક્રિકેટર સચીન તેંડુલકરને રાજ્ય સભામાં નોમિનેટ કરવાના સરકારના નિર્ણય વિરુદ્ધ કરવામાં આવેલી એક રિટ પીટિશનને જનહિતની અરજીઓને લગતી બાબતો સંભાળતી ડિવિઝન બેન્ચ સમક્ષ ૭ મેએ મૂકવાનો અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે આદેશ આપ્યો છે.
આ પીટિશન અશોક પાંડે નામના એક સ્થાનિક વકીલે ગઈ બીજી મેએ નોંધાવી હતી. તેમણે તેંડુલકરની રાજ્ય સભામાં તાજેતરમાં કરાયેલી નિમણૂંકને રદ કરવાનો કોર્ટ પાસે હૂકમ માગ્યો છે.
સુનાવણી વખતે એડિશનલ સોલિસીટર જનરલ ડો. અશોક નિગમે અમુક વાંધો ઉઠાવ્યા બાદ ન્યાયાધીશોએ આ પીટિશનને જનહિતની અરજીઓ સાંભળતી અલગ બેન્ચ સમક્ષ મૂકવાનો આદેશ આપ્યો હતો.
અરજદારનો આક્ષેપ છે કે તેંડુલકરની નિમણૂંક કાનૂની જોગવાઈઓની વિરુદ્ધમાં છે તેમજ બંધારણનો ચોખ્ખા ભંગ સમાન છે.
બંધારણની કલમ ૮૦(૩)માં દર્શાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ એવા સભ્યોને જ નોમિનેટ કરી શકે જે સાહિત્ય, વિજ્ઞાન, કલા અને સમાજસેવાના ક્ષેત્રોમાં વિશિષ્ટ જ્ઞાન ધરાવતા હોય અથવા વ્યવહારુ અનુભવ ધરાવતા હોય. સચીન એક ખેલાડી છે અને તેની નિમણૂંક આ કલમનો ભંગકર્તા છે.



















