નવી દિલ્હી – ક્રિકેટર સચીન તેંડુલકર અને અભિનેત્રી રેખા અલગ અલગ દિવસે રાજ્ય સભાનાં સદસ્ય તરીકેના સોગંદ લેશે.
રેખા મંગળવારે શપથ લેશે જ્યારે સચીન બુધવારે લેશે.
તેંડુલકરના નોમિનેશનને પડકારતી એક પીટિશનને સાંભળવાનો સુપ્રીમ કોર્ટે સોમવારે ઈનકાર કરી દીધો છે.
ન્યાયમૂર્તિ દિપક વર્માની આગેવાની હેઠળની બેન્ચે રામગોપાલ સિંહ સિસોદીયાએ નોંધાવેલી અરજી નકારી કાઢી છે. તેમાં એવી દલીલ કરવામાં આવી હતી કે તેંડુલકરનું રાજ્ય સભામાં નોમિનેશન દેશના બંધારણની જોગવાઈઓથી વિપરિત છે.
કોર્ટે અરજદારને યોગ્ય હાઈ કોર્ટમાં પીટિશન કરવા કહ્યું છે.
અરજદારની દલીલ છે કે બંધારણમાં જોગવાઈ છે કે સાહિત્ય, વિજ્ઞાન, કળા તથા સમાજસેવાના ક્ષેત્રોમાંથી નામાંકિત વ્યક્તિઓને જ રાજ્ય સભા માટે નોમિનેટ કરી શકાય. સ્પોર્ટ્સ કેટેગરીમાંથી કોઈને રાજ્ય સભામાં નિયુક્ત કરવા માટેની કોઈ જોગવાઈ નથી.
કેન્દ્ર સરકારે સચીન ઉપરાંત અભિનેત્રી રેખા અને ઉદ્યોગપતિ અનુ આગાનું નામ રાજ્ય સભાના સદસ્ય માટે સૂચવ્યું હતું જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.



















