મુંબઈ – મહાન બેટ્સમેન સચીન તેંડુલકરે શ્રીલંકા ખાતેના આગામી પ્રવાસે ન જવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રીય પસંદગીકારોએ આ પ્રવાસ માટેની ભારતીય ટીમની જાહેરાત કરી છે.
૧૫-સભ્યોની ટીમ આ મુજબ છેઃ
મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), વિરાટ કોહલી (વાઈસ-કેપ્ટન), વિરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર, સુરેશ રૈના, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન, પ્રજ્ઞાન ઓઝા, ઝહીર ખાન, ઉમેશ યાદવ, અશોક ડિન્ડા, વિનય કુમાર, અજિંક્ય રહાણે, મનોજ તિવારી અને રાહુલ શર્મા.
શ્રીલંકામાં ભારત ૨૧ જુલાઈ અને ૪ ઓગસ્ટ વચ્ચે પાંચ મેચોની વન-ડે ઈન્ટરનેશનલ સિરીઝ રમશે અને ત્યારબાદ ૭ ઓગસ્ટે એકમાત્ર ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમશે. તમામ વન-ડે મેચો ડે-નાઈટ હશે. પહેલી મેચ ૨૧ જુલાઈએ, બીજી ૨૪, ત્રીજી ૨૮, ચોથી ૩૧ અને પાંચમી મેચ ૪ ઓગસ્ટે રમાશે.
ટીમમાં સચીનનું સ્થાન અજિંક્ય રહાણેએ લીધું છે.
વિરેન્દર સેહવાગ, ઝહીર ખાન અને ઉમેશ યાદવે ટીમમાં પાછા ફર્યા
છે. આ ત્રણે ખેલાડી ઈજાને કારણે એશિયા કપમાં રમી શક્યા નહોતા. સેહવાગને પીઠ અને ખભાનો દુખાવો હતો જ્યારે ઝહીર અને ઉમેશને સ્નાયૂ ખેંચાવાની તકલીફ હતી.
૨૦૧૧ની વર્લ્ડ કપ બાદ સચીન માત્ર બે જ વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમ્યો છે. તે હવે રાજ્ય સભાનો સભ્ય છે.
ટીમમાં કરાયેલા એક અન્ય ફેરફારમાં આઉટ-ઓફ-ફોર્મ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને બદલે ડાબોડી સ્પિનર પ્રજ્ઞાન ઓઝાને પસંદ કરાયો છે.
પસંદગી સમિતિના ચેરમેન કે. શ્રીકાંતે કહ્યું કે અમે બેસ્ટ ટીમ પસંદ કરી છે. સચીન ભારતીય ટીમના આગામી ન્યૂ ઝીલેન્ડમાં ચોક્કસ રમશે.
ઓફ્ફ સ્પિનર હરભજન સિંહને હજી પણ પસંદગીકારોએ પડતો મૂકી રાખ્યો છે જ્યારે રાહુલ શર્માને યથાવત્ રાખ્યો છે.
ટીમમાં સાત સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન, ચાર ફાસ્ટ બોલર અને એક વિકેટકીપર (કેપ્ટન ધોની) છે.



















