હરીફ ઈજાગ્રસ્ત થતા નિવૃત્ત થઈ, સાઈનાને મળ્યો કાંસ્ય ચંદ્રક

સાઈના નેહવાલ ઈજાગ્રસ્ત થયેલી વેન્ગ શીનને સાંત્વન આપે છે

લંડન – ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલને નસીબે કમાલની યારી આપી છે. તેની ફાળે કાંસ્ય ચંદ્રક આવ્યો છે. શનિવારે અહીં ઓલિમ્પિક્સ બેડમિન્ટનમાં મહિલાઓની સિંગલ્સના વર્ગમાં ત્રીજા સ્થાન માટેની મેચ દરમિયાન ચીનની વેન્ગ શીન ઈજાગ્રસ્ત થતા નિવૃત્ત થઈ જતા સાઈનાને મેડલ મળ્યો છે.

વિશ્વમાં દ્વિતીય ક્રમાંકિત શીનનો ઘૂંટણ મચકોડાઈ જતા એણે મેચમાંથી નિવૃત્તિ લીધી ત્યારે સાઈના પહેલી ગેમ 18-21થી હારી ચૂકી હતી અને બીજી ગેમમાં 0-1થી પાછળ હતી.

વર્તમાન ઓલિમ્પિક્સમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. અગાઉ ગગન નારંગે શૂટિંગમાં ૧૦ મીટરની એર રાઈફલ ઈવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો જ્યારે અન્ય શૂટર વિજય કુમારે શુક્રવારે ૨૫ મીટરની રેપીડ ફાયર પિસ્તોલ હરીફાઈમાં રજત ચંદ્રક જીત્યો હતો.

ચતુર્થ ક્રમાંકિત સાઈના જોરદાર લડત આપ્યા બાદ પહેલી ગેમ હારી ગઈ હતી. પહેલી ગેમમાં ડાબોડી શીન ૨૦-૧૮થી આગળ હતી ત્યારે બેઝલાઈન પરથી એક્રોબેટિક સ્મેશ શોટ મારવા જતા તેનો ડાબો ઘૂંટણ મચકોડાઈ ગયો હતો. તેને કોર્ટ ઉપર જ સારવાર આપવામાં આવી હતી.

બાદમાં ડાબા ઘૂંટણમાં બેન્ડેજ લગાવીને એ પાછી રમવા આવી હતી અને સાઈનાની સર્વ પર એટેક કરીને એ પોઈન્ટ અને ગેમ ૨૧-૧૮થી જીતી લીધી હતી.

પરંતુ, બીજી ગેમમાં પહેલો પોઈન્ટ જીત્યા બાદ શીન ઘૂંટણમાં દુખાવો સહન કરી શકી નહોતી અને મેચને પડતી મૂકી, સાઈના સાથે હાથ મિલાવી કોર્ટ પરથી રવાના થઈ ગઈ હતી. તે સાથે જ ૨૨ વર્ષીય સાઈનાને કાંસ્ય ચંદ્રક મળ્યો હતો.

સાઈના ચાર વર્ષ પહેલા બીજિંગ ઓલિમ્પિક્સમાં સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. શુક્રવારે એ ચીનની વર્લ્ડ નંબર-વન યીહાન વેન્ગ સામે સીધી ગેમ્સમાં હારી ગઈ હતી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, olympic news