લંડન – ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલે આજે લંડન ઓલિમ્પિક્સમાં મહિલાઓની સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં ડેન્માર્કની ખેલાડી ટાઈન બોઉનને 21-15, 22-20 સ્કોરથી પરાજય આપી સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
ઓલિમ્પિક્સમાં સાઈનાએ આ બીજી વાર ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.
સેમી ફાઈનલમાં ચતુર્થ ક્રમાંકિત સાઈનાનો મુકાબલો થવાનો છે ચીનની વર્લ્ડ નંબર-વન અને ટોપ સીડ યીહાન વાન્ગ સામે.
સેમી ફાઈનલમાં સાઈનાને બાદ કરતાં બાકીની ત્રણ ખેલાડી ચીનની છે.
લંડન ગેમ્સમાં બેડમિન્ટનની રમત ફિક્સિંગ વિવાદને કારણે બદનામ થઈ છે તે છતાં ૨૨ વર્ષીય સાઈનાએ એની કોઈ પરવા કર્યા વિના અને કોઈ પ્રકારના દબાણમાં આવ્યા વિના પોતાની ગેમ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
પહેલી ગેમ સાઈનાએ ૨૧-૧૫થી જીતી લીધી હતી, પણ બીજીમાં ડેન્માર્કની તેનાથી વયમાં ૧૧ વર્ષ મોટી ખેલાડીએ તેને જોરદાર લડત આપી હતી. છેવટે, મગજ શાંત રાખનાર સાઈનાને સફળતા પ્રાપ્ત થઈ હતી.



















